અમદાવાદમાં BLOની કામગીરીમાં ન જોડાનાર શિક્ષકોની ધરપકડની ધમકી આપતો પત્ર જાહેર કરાતા વિવાદ થાય તેવી શક્યતા છે. મળતી જાણકારી અનુસાર, શહેરના નારણપુરા મત વિસ્તારના મતદાન નોંધણી અધિકારીએ શિક્ષકો માટે એક પત્ર જાહેર કર્યો હતો. જેમાં શિક્ષકોને ઘરે ઘરે જઈને વેરિફિકેશનની કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. જો કે આ પત્રમાં એવી પણ ધમકી આપવામાં આવી છે કે જો શિક્ષકો આ કામગીરી નહીં કરે તેમની ધરપકડ કરવામાં આવશે. નોંધણી અધિકારીના આ પત્રના કારણે નવો વિવાદ સર્જાય તેવી શક્યતા છે.
રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના ભીખાભાઇ પટેલે કહ્યું હતું કે શિક્ષકોને BLOની કામગીરીમાંથી મુક્ત કરવા જોઈએ. શિક્ષકોને વર્ગખંડોમા જ રહેવા દો તેવી અમારી માંગણી છે. મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને અમારી રજૂઆત છે. ધરપકડના પરિપત્ર કરનારને પાઠ ભણાવવો જોઇએ. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પણ કહ્યું હતું કે સર્વર ન ચાલતુ હોવાથી શિક્ષકોને હાલાકી પડી રહી છે. અનેક વખત રજૂઆતો કરી છતાં કોઇ સાંભળતું નથી. શિક્ષકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ પણ શિક્ષકોને નોટિસો ફટકારાઈ છે. શિક્ષકોનું કહેવું છે કે ચૂંટણી પંચ દ્વારા BLO અંતર્ગત સર્વેની કામગીરી માટે ૧૩ પ્રકારના વિવિધ કર્મચારીઓને આ કામગીરી સોપી શકાય તેવો નિયમ છે. તેમ છતાંય શિક્ષકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તેમને જ આ કામગીરી સોંપવામાં આવેલી છે જે યોગ્ય બાબત નથી. એક તરફ જ્યાં શાળામાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકોને બોલાવીને આ પ્રકારની કામગીરી સોંપવામાં આવે છે. જેની સીધી અસર શૈક્ષણિક કાર્ય પર જોવા મળતી હોય છે.
BLOની કામગીરી સંદર્ભે રાજ્યભરમાં મતદારોના ઘરે ઘરે જઈને મતદાન યાદીમાં નામની ખરાઈ કરવાની કામગીરી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે તાજેતરમાં જ ચૂંટણી પંચે તમામ કલેકટરો અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને શિક્ષકો ઉપરાંત તલાટી સહિતના અન્ય ૧૨ કેડરના કર્મચારીઓને પણ બીએલઓની કામગીરી સોંપવા આદેશ કર્યો હતો. નોંધનીય છે કે ચૂંટણીમાં બીએલઓની સોંપાતી કામગીરીને લઈને છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષકો દ્વારા વિરોધ કરવામા આવી રહ્યો છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે ભારતીય ચૂંટણી પંચના પત્ર અને સૂચનાઓ મુજબ બીએલઓની કામગીરી શિક્ષકો ઉપરાંત તલાટી, મધ્યાહન ભોજન, પંચાયત સચિવ, આંગણવાડી કાર્યકરો,વીજબીલ રીડર્સ, પોસ્ટમેન, આરોગ્ય કાર્યકરો, સહાયક નર્સ, કરાર આધારિત શિક્ષકો, કોર્પોરેશનના વેરા કર્મચારી તથા અન્ય કારકુન સહિતના ૧૨ કેડરના કર્મચારીઓને પણ સોંપવામા આવે.