અમદાવાદનો કુશ પટેલ લંડનમાં ૧૦ ઓગસ્ટના રોજ ગુમ થયો હતો. જેનો મૃતદેહ મળી આવ્યો છે. ૧૦ ઓગસ્ટના રોજ કુશ પટેલ મોબાઈલ બંધ કરીને જતો રહેતા ગુમ થયો હતો. જે મામલે પરિવારજનોએ વેમ્બલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ આધારે ૧૦ ઓગસ્ટથી જ કુશ પટેલને પોલીસે તપાસ હાથ ધરી હતી. જ્યારે ૧૯ ઓગસ્ટના રોજ લંડનના થેમ્સ નદીના કિનારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની તપાસ કરતા તે મૃતદેહ કુશ પટેલનો હોવાનું સામે આવતા કુશ પટેલના પરિવારને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
મળતી માહિતી અનુસાર ૧૦ ઓગસ્ટના રોજ કુશ પટેલ ગુમ થયો, ત્યારે થેમ્સ નદી પરના બ્રિજ પરથી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. ઘટનાના ૧૦ દિવસ થતા મૃતદેહ કોહવાઈ જતા તેની ઓળખાણ થઈ શકી ન હતી. જેમાં પોલીસે મૃતદેહના ફિંગરપ્રિન્ટ પણ ઓળખ માટે મળતા ન હતા. જોકે એક ટેસ્ટ બાદ ફિંગરપ્રિન્ટ મળ્યા હતા. તેમજ કુશ પટેલનું છેલ્લુ લોકેશન નદીનું હતુ. ત્યારબાદ પોલીસે cctvની તપાસ હાથ ધરી હતી. જેમાં તેના કપડાં પરથી જ તેની ઓળખ કરવામાં આવી હતી. જેના આધારે મૃતદેહ કુશ પટેલનો હોવાનું ૧૧ દિવસે જાણ થઈ હતી. અમદાવાદના મૂળ વહેલાલનો અને નરોડમાં સ્થાયી પટેલ પરિવાર નો કુશ પટેલ સ્ટુડન્ટ વિઝા પર ૨૦૨૨માં લંડન ગયો હતો. ૨૦૨૨ માં કુશ પટેલ બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ માટે લંડન નોરવિચમાં આવેલી east anglia યુનિવર્સીટીમાં ગયો હતો. જ્યાં લંડન પહોંચ્યા ના બે સપ્તાહ બાદ તેને યુનિવર્સીટીeast angliaદ્વારા તેને જતા રહેવા માટે નોટિસ આપી હતી. કોલેજમાં અટેન્ડન્સ ના અભાવ અને ફીને લઈને નોટિસ અપાઈ હતી. જો કે બાદમાં પરિવારજનો દ્વારા કોલેજની ફી ની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ હતી. તેમજ વર્ક પરમિટ માટે પણ પ્રોસેસ કરી હતી. જેમાં પિતાએ લોન લઈ નાણાં આપ્યા હતા. જોકે એજન્ટ થ્રુ પ્રોસેસ નહીં થતાં કુશ પટેલને નાણા પરત પણ કરી દેવાયા હતા. તેમજ બે કે ત્રણ મહિનામાં કુશ પટેલના વિઝા પણ પૂર્ણ થવાના હતા. આ જ બાબતે કુશ પટેલને પરિવારને હિસાબ આપવાની ચિંતા હતી. જે ચિંતામાં કુશ પટેલ મોબાઇલ બંધ કરીને ૧૦ ઓગસ્ટ ક્યાંય જતો રહ્યો હોવાની આશંકા હતી. જોકે પરિવારને આશ હતી કે તે પરત ફરશે. પણ કુશ પટેલ ૧૦ ઓગસ્ટ ગુમ થયો અને ત્યારે જ તેણે નદીમાં જમ્પ લાવી પોતાનું જીવન ટૂંકાવ્યું. ૧૧ માં દિવસે મૃતદેહ કુશ પટેલ નો હોવાનું સામે આવ્યું.
કુશ પટેલના પિતા વિકાસ પટેલને શારીરિક અસર છે. જેના કારણે તેઓ કઈ કમાઈ શકતા નથી. માતા હાઉસ વાઈફ છે અને તેના દાદી પણ તેમની સાથે જ રહે છે. જેમના પેન્શન થી હાલ ઘર ચાલે છે. અને કુશ પટેલ ઘરનો એક નો એક દીકરો હતો. જેમાં કુશ પટેલ લંડનમાં ફૂડ ડિલિવરી કરી કેટલાક નાણાં પરિવારને મોકલતો જેનાથી પરિવાર ને મદદ રહેતી. જોકે હવે તે પણ બંધ થઈ ગયા. તો પટેલ પરિવારે એક નો એક દિકરો કુશ પટેલ ગુમાવવો પડ્યો. ૧૯ ઓગસ્ટના રોજ કુશ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના કારણે મૃતદેહ પાણીમાં વધુ રહેતા તે કોહવાઈ ગયો છે. મૃતદેહની હાલત સારી નથી. તેમજ મૃતદેહ લાવવાનો ખર્ચ પણ વધુ છે જે પરિવારને ન પણ પોષાય. જેથી મૃતદેહ અમદાવાદ લવાય તેવી શકયતા નથી. માટે પટેલ પરિવારના એકના એક દીકરા કુશ પટેલની અંતિમ વિધિ લંડનમાં જ થાય તેવી શકયતા સેવાઈ રહી છે.
સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર ભારતના એજન્ટોને દર એડમિશન પર ૨-૩ લાખ રૂપિયા કમીશન મળે છે. જેથી કોઈ પણ યુનિવર્સિટીમાં અને કોઈપણ કોર્સમાં વિદ્યાર્થીઓનું એડમિશન કરાવી દે છે. જેમાં બેચલર કોર્સ ૩-૪ વર્ષ નો હોય છે અને એની ફી દર વર્ષે ૧૫ લાખ ની આસપાસ હોય છે. આ ઉપરાંત એક મહિના પહેલા UK ની સરકારે વિઝાના નિયમોમાં ફેરફાર કરી સ્ટુડન્ટ વિઝામાંથી ટીયર-૨ વિઝા પર રોક લગાવી દીધી હતી. અને તમામ વિદ્યાર્થીઓએ તેમનું ભણતર પૂરું કરવું પડે જે ખૂબ ખર્ચાળ છે. વિઝા ના નિયમોમાં બદલાવ થતા તે તેના વિઝા પણ વર્કપરમિટમાં કન્વર્ટ ન કરાવી શક્યો. તેથી કુશ પટેલ પાસે ભારત પરત આવવા સિવાય અથવા UK માં ગેરકાયદેસર રહેવા સિવાય કોઈ રસ્તો નહોતો. માટે તેણે આ પગલું ભર્યાની પણ ચર્ચા છે. આ સિવાય થોડા સમય UK માં ટીયર-૨ વિઝા ના નામે ખોટા સ્પોન્સરશીપ સર્ટિફિકેટ બનાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી વિદ્યાર્થીઓ પાસેથી કરવામાં આવી હોવાની ચર્ચા છે. તેમાં પણ કુશ પટેલ ના ૧૫ લાખ રૂપિયા ફસાયા હોવાની વાત છે. જે પણ તેના મોત પાછળ એક કારણ હોઈ શકે છે. આ તમામ બાબતે પોલીસ હાલ તપાસ હાથ ધરી છે.