અમદાવાદ ખાતે સી.એન.બી.સી. બજાર દ્વારા રીયલ એસ્ટેટ એવોર્ડ એનાયત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિવિધ કેટેગરીમાં બિલ્ડર્સ, ડેવલપર્સ, સ્થપતિઓને એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા.
આ પ્રસંગે અફોર્ડેબલ સેગમેન્ટમાં બેસ્ટ રેસીડેન્સીયલ પ્રોજેકટનો એવોર્ડ સુરતના વિશ્વાસ ડેવલપર્સ, મીડ સેગમેન્ટમાં અવધ ડેવલોપર્સ, લકઝરી સેગમેન્ટમાં એમીની ગ્રુપ તેમજ અલ્ટ્રા લકઝરી સેગમેન્ટમાં રવાની ડેવલપર્સને એવોર્ડ અપાયો હતો.
આ જ રીતે રાજકોટ સીટીના અફોર્ડેબલ સેગમેન્ટ માટે એજી રોયલ્ટી, અલ્ટ્રા લકઝરી સેગમેન્ટ માટે શેઠ બિલ્ડર્સને, વડોદરા સિટીમાં અફોર્ડેબલ સેગમેન્ટમાં ફોર્ચ્યુન ડેવલપર્સ, મીડ સેગમેન્ટમાં નિલાંબર ગ્રુપને, અમદાવાદ સિટીમાં અફોર્ડેબલ સેગમેન્ટમાં સૂર્યમ ગ્રુપને, શાલીગ્રામ ગ્રુપને, મીડ સેગમેન્ટના દીપ ગ્રુપ ઓફ કેટલીઝન તથા અલ્ટ્રા લકઝરી સેગમેન્ટમાં સન બિલ્ડર્સ પ્રા.લી.ને એવોર્ડ અપાયા હતા.
આ ઉપરાંત કેટેગરી-રમાં અમદાવાદના સીજી સ્કવેર મૉલને બેસ્ટ રીટેલ પ્રોજેકટ, કેટેગરી-૩માં ગિફટ-ટાવર-૧-રને, કોમર્શિયલ પ્રોજેકટ કોમન્ડેશન ફોર હાઇ એન્ડ ઇન્ટીગ્રેટેડ ટાઉનશીપ માટે ગોયલ એન્ડ કંપની, રીયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝનો એવોર્ડ અમયા પ્રોપર્ટી, હાઇ ક્વોલીટી લાઇફ સ્ટાઇલ વિકાસ માટે અરવિંદ અપલેન્ડસને તથા લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ જાણિતા સ્થપતિ બી.વી.દોશીને અપાયો હતો. આ પ્રસંગે શહેર-રાજ્યના બિલ્ડર્સ-ડેવલપર્સ-સ્થપતિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
દરેક માનવીને પોતાનું ઘરનું ઘર મળે તેવું સ્વપ્ન હોય છે. ગરીબ-મધ્યમ વર્ગના લોકોને સારા-સસ્તા ઘર મળે તે જરૂરી છે. આ વર્ગને અફોર્ડેબલ હાઉસીંગનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે કોમન જી.ડી.સી.આર.ને વેગ આપ્યો છે તેનો મહત્તમ લાભ ગરીબ-મધ્યમ વર્ગના લોકોને મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, એમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે દેશમાં ‘હેપ્પીનેસ ઇન્ડેક્સ’ ની ચર્ચા શરૂ થઇ ગઇ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ વર્ષ-૨૦૨૨ સુધીમાં સૌને ઘર આપવાનો નિર્ધાર કર્યો છે. ઘર ખરીદનારને સારા-સસ્તા ઉજાસ પૂર્ણ આવાસ મળે તો ચોક્કસ પણે તેમની સુખાકારીમાં વધારો થશે. આ સ્પર્ધાત્મક યુગમાં ‘હેપ્પીનેસ ઇન્ડેક્સ’ ને નજરમાં રાખીને રીયલ એસ્ટેટ ક્ષેત્રે આગળ વધશો તો તેનો ચોક્કસ લાભ મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના દિર્ઘદ્રષ્ટિના આયોજનના પગલે રાજ્યોના શહેરો-નગરો સુવિધાસભર અને સુખાકારીથી પ્રાણવાન બન્યા છે. ગુજરાત સરકારે એટલે જ કોમન જી.ડી.સી.આર.ના માધ્યમથી રીયલ એસ્ટેટ ક્ષેત્રને વિકાસના બહુઆયામી અવસરો આપવાનો નિર્ધાર કર્યો છે.
બાંધકામ ક્ષેત્રે પારદર્શિતા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશને વધુ વેગ આપવા નવા કોમન જી.ડી.સી.આર.ને મંજૂરી આપી છે. જેનાથી શહેરોનો સુવ્યવસ્થિત વિકાસ થશે અને બાંધકામ પ્રવૃત્તિને વેગ મળવાની સાથે મકાનોની કિંમતમાં પણ ઘટાડો થશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રીયલ એસ્ટેટ નિયમન (રેરા) ધારો-૨૦૧૬ એ રીયલ એસ્ટેટ ક્ષેત્રનો સૌથી મોટો સુધારો છે. ‘રેરા’ એ એસ્ટેટ ક્ષેત્રે એકાઉન્ટીબિલીટી, પારદર્શિતા અને કાર્યદક્ષતાને પ્રોત્સાહન આપે છે. જેનાથી ગ્રાહકોને જ મહત્તમ ફાયદો થશે. ‘રેરા’ ના અમલથી દેશમાં પ્રથમ વખત રીયલ એસ્ટેટ ક્ષેત્રે નિયમન આવ્યું છે.
શહેરી વિકાસની યોજનાઓનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’ નો મંત્ર લઇને ચાલે છે. રાજ્યના લોકોને આવાસ, પાણી, બાગ-બગીચા અને સુખાકારીના નવા આયામ ઉપલબ્ધ કરવા એ અમારી નેમ છે. ગરીબ-મધ્યમ વર્ગના નાગરિકોને રહેવા માટેનું ઘર મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જેમ જેમ માનવી આધુનિક થતો ગયો તેમ તેમ તેની આવાસની જરૂરિયાતો પણ આધુનિક થતી ગઇ. લોકોને આવાસ ઉપલબ્ધી માટેની યોજના ગુજરાત અને કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદીની સરકારે બનાવી છે. અગાઉની કોંગ્રેસ સરકારે ગરીબ પરિવારો માટે ક્યારેય આવાસની ચિંતા નહોતી કરી. સંખ્યાબંધ આવાસો છેલ્લા થોડાક વર્ષોમાં અમારી સરકારે બનાવ્યા છે. આવાસ નિર્માણમાં ખાનગી સ્થપતિઓ બિલ્ડર્સની પણ મહત્વની ભૂમિકા રહેલી છે. આવા બિલ્ડર્સ-ડેવલપર્સને સી.એન.બી.સી. બજાર ચેનલ દ્વારા બિરદાવાય તે પણ એક સરાહનીય બાબત છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ રાજ્યમાં ગિફટ સિટી અંતર્ગત વિકસેલી સુવિધાઓ, મ્યુનિસિપાલિટી વિસ્તારમાં સુનિશ્ચિત વિકાસ, નર્મદા યોજના અંતર્ગત પાણી વિતરણ વ્યવસ્થાપન ઉપરાંત ડીસેલીનેશન પ્લાન્ટ જેવી બાબતોની જાણકારી આપી હતી.
આર.આર.કાકોલ ગ્રુપના એમ.ડી. ગોપાલભાઇએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, રીયલ એસ્ટેટ એ ખરેખર અર્થતંત્રનું મોટું વાહક છે. એ જેટલું મજબૂત બનશે એટલું અર્થતંત્ર પણ મજબૂત બનશે, એમ તેમણે ઉમેર્યું હતું.
સી.એન.બી.સી.ના પ્રબંધ સંપાકદ આલોક જોષીએ જણાવ્યું હતું કે, સી.એન.બી.સી. બજાર અને આવાજ એ રીયલ એસ્ટેટ ક્ષેત્રની સાથે જોડાઇને એવોર્ડ સમારોહ યોજે છે. રાજ્ય-દેશના લોકોને રીયલ એસ્ટેટ ક્ષેત્રનો મહત્તમ અને પરિણામલક્ષી લાભ મળે તેવો આશય છે, એમ તેમણે ઉમેર્યું હતું.