પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે એક સાથે બે વાવાઝોડા ત્રાટકતા કોલકાતા સહિત અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા. વાવાઝોડાને કારણે ૧૮નાં મોત થયા હતા. પશ્ચિમ બંગાળમાં આ ઋતુમાં જોવા મળતા નોર્વેસ્ટર વાવાઝોડાથી ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. સંખ્યાબંધ વૃક્ષો અને વીજ પૉલ તૂટી પડયા હતા.
કોલકાતામાં જ આઠ વ્યક્તિના મોત થયા હતા અન્ય વિસ્તારોમાં મકાનો પડી જવાની, વૃક્ષો પડવાની ઘટનાઓ અને વીજ કરંટ લાગવાથી ૧૦નાં મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. વાવાઝોડું એકાએક ત્રાટક્યું હતું અને બચાવ કામગીરી માટે સમય રહ્યો નહોતો. કોલકાતામાં ૧૫૫ ઘર, ૨૨૫ ઇલેક્ટ્રિક પૉલ અને ૨૫૬ વૃક્ષો ધરાશાયી થયા હતા. હાવરામાં પણ ૫૨ મકાન અને ૨૩ વૃક્ષો ધરાશાયી થયા હતા. કોલકાતામાં મેટ્રો સેવા ઠપ થઈ ગઈ હતી અને મોબાઇલ ટાવર તૂટી પડતા ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ પણ ઠપ થઈ ગઈ હતી.
ઝડપી પવનોના કારણે સંખ્યાબંધ ફ્લાઇટ મોડી પડી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ વાવાઝોડા બાદ તુરત જ બીજું વાવાઝોડું ત્રાટક્યું હતું. જેમાં ૯૮ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. ૪૦ કિલોમીટરના વિસ્તારમાં ૧૦ કિલોમીટર ઉંચાઈ સુધી ઘટાટોપ વાદળ સર્જાયું હતું. વરસાદને પગલે અનેક સ્થળોનું તાપમાન ઘટીને સામાન્યથી નીચે ગયું હતું. હાવરા અને કોલકાતા રેલ્વે સ્ટેશનો પર વૃક્ષો ધરાશાયી બન્યા હત. વરસાદને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયા હતા.