રેલવે વિભાગના મહત્વાકાંક્ષી મુંબઇ-રેવડી (હરિયાણા) વચ્ચે ફ્રેઇટ કોરિડોર પ્રોજેકટ માટે જમીન સંપાદન કાર્યવાહીમાં વિવાદ સર્જાતા રાજ્ય સરકારે નિમણુંક કરેલા લવાદ પાસે વર્ષ ૨૦૧૨થી પેડીંગ ૮૨૦૦ કેસોને કારણે ખેડૂતોના રૂ. ૧૨૦૦૦ કરોડ સલવાઇ ગયા છે.
યુપીએ સરકારે મુંબઇથી હરિયાણા સુધી ફ્રેઇટ કોરિટોર રેલ પ્રોજેકટ અમલમાં મુક્યો હતો જેથી રેલવે લાઇનની આજુબાજુમાં ‘ઇન્ડસ્ટ્રિયલ હબ’ શરૂ થાય ત્યાં રોજગારીની તકો સર્જાય અને ઉત્પાદિત ચીજોની સહેલાઇથી રેલવે દ્વારા હેરાફેરી કરી શકાય. તંત્રએ જમીન સંપાદનની કાર્યવાહી જે તે રાજ્ય સરકારને સોંપી હતી.
ગુજરાતમાં આ કામગીરી શરૂ થઇ તેમાં રેલવે, જેતે જિલ્લા કલેકટર હસ્તકના અધિકારીઓ વચેટિયાઓની મીલીભગતથી ખેડૂતો પાસેથી જમીન ખરીદવાની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો જેની સીબીઆઇ દ્વારા તપાસ પણ થઇ પરંતુ કોઇ સામે કાર્યવાહી થઇ નથી. બીજીબાજુ જમીનના ભાવ અંગે વિવાદ સર્જાતા રાજ્ય સરકાર અને રેલવે વિભાગે સંયુક્ત રીતે વિવાદનો ઉકેલ લાવવા ગુજરાતના ચાર ઝોનમાં ચાર લવાદની નિમણુંક કરી હતી. રાજ્ય સરકારે વિકાસ કમિશનર ગાંધીનગરને બનાસકાંઠા, મહેસાણા, પાટણ વિસ્તારની જમીન અંગે લવાદ નિમ્યા હતા. જ્યારે આદિજાતિ વિકાસ કમિશનરને અમદાવાદ, ગાંધીનગર અને ખેડા તેમજ મત્સ્યઉદ્યોગ કમિશનરને વડોદરા, ભરૃચ આણંદ તથા મહેસુલ કમિશનરને સુરત વલસાડ, નવસારી વિસ્તારની જમીનોના ઉકેલ માટે લવાદ નિમ્યા હતા.
વર્ષ ૨૦૧૧-૧૨માં જમીન માલિકીએ ભાવ અને અન્ય જમીન વિવાદો અંગે ખેડૂતોએ કેસ દાખલ કર્યા હતા અને હાલની બજાર કિંમત પ્રમાણે નાણાં ચૂકવવા માંગણી કરવામાં આવી છે. રાજ્ય સરકાર નિયુક્ત ૪ લવાદ પૈકી વિકાસ કમિશનર પાસે ૨,૦૦૦, આદિજાતિ વિકાસ કમિશનર પાસે ૧,૫૦૦, મત્સ્યઉદ્યોગ કમિશનર પાસે ૨,૫૦૦ અને મહેસુલ કમિશનર પાસે ૨,૨૦૦ કેસ વર્ષ ૨૦૧૨-૧૩થી પેડીંગ છે જેનો ઉકેલ આવતો નથી. ફ્રેઇટ કોરિડોર પ્રોજેકટમાં જમીન ખરીદીની પ્રક્રિયામાં ખાનગી માલિકીની જમીનના ભાવ ખૂબ ઓછા હતા અને તેની બાજુમાં આવેલી સરકારી જમીનના ભાવ વધુ હતા જેથી સરકારી જમીનના ભાવ પ્રમાણે નાણાં ખેડૂતને ચૂકવવા માંગણી થઇ હતી. છતાં વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ સુધી કોઇ કેસ ચલાવી ઉકેલ લાવવામાં આવ્યો નથી જેથી ખેડૂતોએ લવાદ સમક્ષ કરેલા કેસોનો ઉકેલ નહીં આવતા ખેડૂતોના રૂ..૧૦,૦૦૦ કરોડ જેવી માતબર રકમ અટવાઇ પડી છે.