વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ લંડનના પ્રવાસે છે. જેમાં ગઈ કાલે બ્રિટીશ વડાપ્રધાન થેરેસા મે સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, યુરોપિયન યુનિયનમાંથી નીકળવાના નિર્ણય પછી પણ ભારત માટે બ્રિટનનું મહત્ત્વ ઘટયું નથી. આ દરમિયાન બંને દેશના વડાઓએ બ્રેક્ઝિટ પછી થનારી વિવિધ વાટાઘાટોમાં નવી ઊર્જા ભરવા સહમતિ દાખવી હતી.
ભારત અને બ્રિટને આતંકવાદ, ઉગ્રવાદી વિચારો અને ઓનલાઇન મીડિયાની મદદથી ફેલાવાતા કટ્ટર વિચારો મુદ્દે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. લંડનના ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટમાં આયોજિત બ્રેકફાસ્ટ મીટિંગમાં વડાપ્રધાન મોદીનું બ્રિટીશ વડાંપ્રધાન થેરેસા મે એ ઊમળકાભેર સ્વાગત કર્યું હતું. આ બેઠક પછી વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારતે વૈશ્વિક બજાર સુધી પહોંચવા માટે લંડન ખૂબ જ મહત્ત્વનું શહેર છે. યુરોપિયન યુનિયનમાંથી નીકળી ગયા પછી બ્રિટને માર્ચમાં જ ભારતીય કંપનીઓ અને રોકાણકારો માટે ૨૦૨૦ સુધી જૂના નીતિનિયમો જારી રહેશે એમ કહીને દ્વાર ખુલ્લા રાખ્યા હતા.
આ દરમિયાન બંને દેશોએ સંયુક્ત નિવેદનમાં આતંકવાદ અને કટ્ટરવાદનો ખાત્મો કરવા હાથ મિલાવ્યા હોવાની માહિતી આપી હતી. થેરેસા મેએ કહ્યું હતું કે, દુનિયાભરના આતંકી અને કટ્ટરપંથી જૂથોને કાબૂમાં રાખવા ભરતીથી લઈને ભંડોળ સુધીનું નેટવર્ક ખતમ કરવા ભારત-બ્રિટન સાથે મળીને કામ કરશે. ભારત અને બ્રિટને ચીનને ધ્યાનમાં રાખીને ઇન્ડો-પેસિફિક સમુદ્રી ક્ષેત્રમાં મુક્ત વ્યાપારનું પણ ભારપૂર્વક સમર્થન કર્યું હતું. આ ઉપરાંત બંને દેશે મુક્ત દરિયાઇ વેપાર, પાઇરેસી અને મેરીટાઇમ ક્ષેત્રે વધુ મોકળા મને આગળ વધવાની જરૃરિયાતોને પણ ધ્યાનમાં લીધી હતી.
ભારત અને બ્રિટનનો વાર્ષિક વેપાર ૧૩ અબજ ડોલરનો છે. દ્વિપક્ષીય વેપારમાં વધુને વધુ આગળ વધવા બંને દેશ લશ્કરી-સુરક્ષા અને ટેક્નોલોજી ક્ષેત્રે પરસ્પર સહકાર આપીને રોજગાર સર્જન કરવા સહમતિ દાખવી હતી. બંને દેશના અર્થતંત્રને ફાયદો થાય એ રીતે રોકાણો વધારવા પણ મોદી-થેરેસા મેએ ઊંડી ચર્ચા કરી હતી.