અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ ૨નું પ્રમોશન ફરી પૂર જોશમાં શરૂ થઈ ગયું છે. સેન્સર બોર્ડમાંથી એડલ્ટ સર્ટિફિકેટ મળ્યા બાદ ગદર ૨ સામે ઝીંક ઝીલવા અક્ષય અને ટીમે તૈયારી શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે ફિલ્મનું ટ્રેલર ગુરુવારે રિલીઝ કરાયું હતું. આ ટ્રેલરમાં અક્ષય કુમારને શિવ ભક્ત પંકજ ત્રિપાઠીના દીકરાને બચાવવા આવેલા શિવ દૂતની ભૂમિકામાં રજૂ કરાયા છે. અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ ઓહ માય ગોડ ૨ ૧૧ ઓગસ્ટે થીયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું પહેલું પોસ્ટર શેર થયું ત્યારે તેને શ્રાવણ મહિનામાં રિલીઝ થનારી શિવ ભક્તિ આધારિત ફિલ્મ માનવામાં આવતી હતી. ૨૦૧૨માં આવેલી પરેશ રાવલ અને અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ બ્લોકબસ્ટર રહી હતી. તેની સીક્વલ ઓહ માય ગોડ ૨માં પરેશ રાવલની જગ્યાએ પંકજ ત્રિપાઠીનો રોલ છે. અગાઉની ફિલ્મમાં અક્ષય કુમારે ભગવાન શ્રીકૃષ્ણનો રોલ કર્યો હતો, જ્યારે સીક્વલમાં તેમણે ભગવાન શિવના બદલે ભગવાન શિવના દૂતનો રોલ કર્યો છે. OMG ૨ના ટ્રેલરમાં દર્શાવાયા મુજબ, મહત્ત્વના મુદ્દાને સરળ રીતે રજૂ કરવામાં આવ્યો છે.
OMG 1 ભગવાન શ્રી કૃષ્ણ બની કોર્ટમાં પરેશ રાવલ (કાનજી)ની મદદ કરનારા અક્ષય કુમારે શિવ દૂત તરીકે શિવ ભક્ત પંકજ ત્રિપાઠીની મદદ કરી છે. ટ્રેલરની શરૂઆત શિવની આકૃતિથી થાય છે, જે પોતાના પ્રિય નંદીને જણાવે છે કે ભક્ત પર મોટું સંકટ આવવાનું છે. શિવ ગણમાંથી કોઈ એકને પોતાની સાથે લઈ જાય અને આ શિવ ભક્તની મદદ કરે. ત્યારબાદ સ્ટોરી શરૂ થાય છે અને કોર્ટમાં પોતાના દીકરાનો કેસ લડતા પંકજ ત્રિપાઠી જોવા મળે છે. સ્કૂલમાં પોતાના દીકરા સાથે બનેલી ઘટના બાદ સામાન્ય પરિવારના પંકજનું જીવન બદલાય છે. બદનામીના ડરથી તેમનો દીકરો આત્મહત્યા કરવા જતો હતો, પરંતુ તેઓ દીકરાને દુનિયાની નજરોમાં સાચો ઠેરવવા માટે વકીલ તરીકે કોર્ટમાં કેસ લડે છે. આ સાથે દીકરાને બચાવવા તેઓ ભગવાનને પ્રાર્થના કરે છે. આ ફિલ્મમાં યામી ગૌતમ પણ મહત્ત્વની ભૂમિકામાં છે, જે શિવ ભક્ત પંકજ ત્રિપાઠીની સામે કેસ લડે છે. ટ્રેલરમાં અક્ષય કુમારના કેરેક્ટર અંગે ખાસ વાત થઈ નથી.