સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર ૨ આગામી સપ્તાહે રિલીઝ થઈ રહી છે. ફિલ્મના પ્રમોશન માટે સની દેઓલ પાકિસ્તાન બોર્ડર પર પહોંચ્યા હતા. તેમણે બોર્ડર પર તૈનાત જવાનો સાથે મળી હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા અને તનોટ માતાના મંદિરે દર્શન કર્યા હતા. સની દેઓલ અને અમીષા પટેલ ૨૨ વર્ષ બાદ સરહદ પારની સ્ટોરી લઈને આવી રહ્યા છે. સનીએ રાજસ્થાન બોર્ડર પર બીએસએફના જવાનો સાથે મુલાકાત કરી હતી. જવાનો સાથે વાતચીત દરમિયાન તેમણે પોતાની જૂની ફિલ્મ બોર્ડરના કિસ્સા પણ યાદ કર્યા હતા. સનીએ બીએસએફના જવાનો સાથે પંજો લડાવ્યો હતો. જવાનોએ પણ સની સાથે દિલથી ડાન્સ કર્યો હતો અને ગીતો પણ સંભળાવ્યા હતા. સનીએ જવાનોના ગીત પર ડાન્સ કર્યો હતો. સનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં અધિકારી તેમને નવી ટેકનોલોજીની બંદૂક અંગે સમજણ આપી રહ્યા છે. સનીએ તનોટ માતાના મંદિરનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જ્યાં તેમણે ચુંદડી ઓઢીને દર્શન કર્યા હતા.
ગદર ૨ના કિસ્સામાં પણ સેન્સર બોર્ડે કેટલાક દૃશ્ય અને સંવાદ દૂર કરાવ્યા છે. ગદર ૨માં ૧૦ કટ્સ કરાવ્યા બાદ સેન્સર બોર્ડે ેંછ સર્ટિફિકેટ આપ્યું છે. ફિલ્મમાં તોફાનો દરમિયાન હર હર મહાદેવાના જય ઘોષ દૂર કરાવ્યા છે. આ ઉપરાંત તિરંગાની જગ્યાએ ઝંડા શબ્દનો ઉપયોગ કરાવ્યો છે. ફિલ્મમાં ફાઈટિંગના એક સીનના બેકગ્રાઉન્ડમાં શિવ તાંડવ સંભળાતું હતું. મ્યૂઝિકમાંથી શિવ તાંડવ દૂર કરાવ્યું છે. ૨ કલાક ૫૦ મિનિટનો રન ટાઈમ ધરાવતી આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. તેના આંકડા જોઈને ફિલ્મ મેકર્સે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ફિલ્મ બ્લોકબસ્ટર થશે.