ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલ જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં ASIને સર્વે કરવાની મંજૂરી આપી છે. ચુકાદાને લઈને હિંદુઓમાં ભારે આનંદ અને ખુશીનો માહોલ છે. હાઈકોર્ટે ASI સર્વે માટે આદેશ આપ્યા છે, જે બાદ સંત-મહંત વિદ્વાનોમાં ચૂકાદાના ભારે વખાણ થઈ રહ્યા છે. બધા એકબીજાને અભિનંદન પણ આપી રહ્યા છે. આ સમગ્ર મામલે જાણીતા ભાગવત કથાકાર ઠાકુર દેવકીનંદન મહારાજે પણ પોતાનું નિવેદન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય ભાગવતના પ્રવક્તા ઠાકુર દેવકીનંદન મહારાજે જ્ઞાનવાપી મસ્જિદ પર ASI સર્વેના આદેશનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું છે કે ASIના સર્વેના આદેશથી સત્યની જીત થઈ છે.
તેમણે વધુમાં કહ્યું કે મુસ્લિમ આક્રમણકારો દ્વારા જે રીતે હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે તેના પર આ ચૂકાદો આવકાર્ય છે. વળી, આપણા મંદિરનું જે અપમાન કરાયું હતું તેનો આ જવાબ છે. જ્ઞાનવાપી મસ્જિદની જેમ, મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિમાં પણ હિંદુ સ્થાપત્યના પુરાવા હાજર છે. જેના પર ASI સર્વેને ટૂંક સમયમાં આદેશ આપવામાં આવશે અને તે પણ બધાની સામે આવશે. જણાવી દઈએ કે ઠાકુર દેવકીનંદન મહારાજ હાલમાં એક કરોડ ૨૫ લાખ શિવલિંગ બનાવવાની વિધિ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે, આવી સ્થિતિમાં ભગવાન શિવ પણ ઈચ્છી રહ્યા છે કે હવે તે પણ જલદી આવે, જેને લઈને આ ર્નિણય આવ્યો છે. હિન્દુવાદી સંગઠન અખિલ ભારત હિન્દુ મહાસભા અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસ સમિતિના પ્રમુખ દિનેશ શર્માએ જણાવ્યું કે અમે હાઈકોર્ટના ર્નિણયનું સ્વાગત કરીએ છીએ.