તાજેતરમાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ટ્રક અને થાર વચ્ચે થયેલા અકસ્માતમાં મદદે દોડી આવેલ લોકોને જેગુઆર ચાલક તથ્ય પટેલે ટક્કર મારી હતી. જેમાં ૯ લોકોએ, પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું. ત્યારે આ ઘટના બાદ સરકાર પણ સફાળી જાગી છે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો સામે હવે એક મહિના સુધી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવશે.
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં અકસ્માતના બનાવો વધ્યા છે. ત્યારે સ્ટંટબાજી કરી અન્ય લોકોના જીવ જોખમમાં મુકતા સ્ટંટબાજો તેમજ ઓવર સ્પીડે વાહન હંકારતા લોકો તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો સામે કાર્યવાહી કરવા દરેક જિલ્લાના અધિકારીઓને DGPએ આદેશ આપ્યો છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. DGPના આદેશ બાદ રાજ્યમાં ૨૨ જુલાઈથી ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાવામાં આવી છે. જેના કારણે છેલ્લા બે દિવસમાં ટ્રાફિકના નિયમોનો ભંગ ૧૮૬૯ કેસ નોંધાયા છે. જેમાં ઓવર સ્પીડ એન્ડ ડ્રાઈવ સ્ટંટના સૌથી વધુ કેસ નોંધાયા છે. તો સુરતમાં ૭૧૦ કેસ ઓવર સ્પીડના નોંધાયા છે.