જમ્મુના કઠુઆ બળાત્કાર કેસમાં આઠ વર્ષીય બાળકીના બળાત્કાર-હત્યાથી સમગ્ર દેશનો રોષ હજુ શમ્યો નથી થયો ત્યાં આવી વધુ એક ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના ઇટાહમાં લગ્ન સમારંભમાં આવેલી એક સાત વર્ષીય બાળકી પર બળાત્કાર કરીને હત્યા કરી દેતા હોબાળો મચી ગયો છે.
આ ઘટના પછી વિપક્ષોએ ફરી એકવાર કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારનો આક્રમક વિરોધ શરૂ કર્યો છે. આ પીડિત બાળકીના માતાપિતાએ વિપક્ષો સાથે ઇટાહ-ફરુખાબાદ હાઇ વે પર ચક્કાજામ કરીને યોગી સરકાર સામે સખત આક્રોશ વ્યક્ત કર્યો હતો. બાળકીના માતાપિતાએ યોગી સરકાર પાસે રૂ. દસ લાખનું વળતર માંગ્યું હતું.
પોલીસના જણાવ્યાનુસાર, ‘પીડિતાનો પરિવાર અલીગંજ રોડ પર મંડી સમિતિ દરવાજા નજીક બપોરે ૧:૩૦ વાગ્યે લગ્ન સમારંભમાં આવ્યો હતો. આ દરમિયાન સોનુ જાધવ નામના ૧૯ વર્ષીય યુવકે બાળકીને લલચાવી-ફોસલાવીને બળાત્કાર કરીને તેની હત્યા કરી હતી. અમે ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી લીધી હતી અને પોસ્કો અંતર્ગત ફરિયાદ નોંધી હતી.’
સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અખિલેશ ચૌરસિયાએ જણાવ્યું હતું કે, લગ્નમાં સોનુ જાધવને તંબૂ ઊભા કરવાનું કામ સોંપાયું હતું. સોનુ દારૃના નશામાં ચૂર થઇને આ જવાબદારી સંભાળી રહ્યો હતો, પરંતુ બળાત્કાર અને હત્યા કરીને તે ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ત્યાર પછી લગ્ન સમારંભના સ્થળેની નજીક એક સ્થળે બાંધકામ ચાલી રહ્યું હતું ત્યાંથી બાળકીનો ચીંથરેહાલ મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના ગળાની આસપાસ દોરડું લપેટાયેલું હતું, જેના પરથી સાબિત થઇ ગયું હતું કે, બળાત્કારીએ જ તેની હત્યા કરી છે. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઇ હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.