દિલ્હીના રોહિણીના કેએન કાત્જુ માર્ગ વિસ્તારમાં જિમની અંદર ટ્રેડમિલમાં વીજ કરંટ લાગવાથી એક યુવકનું મોત થયું હતું. આ ઘટના મંગળવારે સવારે સાત વાગ્યે બની હતી. મૃતકની ઉંમર ૨૪ વર્ષ છે. આ મામલે દિલ્હી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને, પોલીસે આ જીમ ઓપરેટર અનુભવ દુગ્ગલ સામે બેદરકારી હેઠળ મોતનો કેસ પણ નોંધ્યો છે. આ સાથે ક્રાઈમ બ્રાંચ અને FSLટીમ પણ જીમપ્લેસ ફિટનેસ ઝોન નામના જીમમાં તપાસ અર્થે પહોંચી હતી. તપાસ બાદ FSL ટીમે પોલીસને જણાવ્યું કે ટ્રેડમિલના મેટલ ભાગમાં કરંટ આવી રહ્યો છે. પોલીસે તપાસ અને પ્રત્યક્ષદર્શીના નિવેદનના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે જીમના CCTV ફૂટેજ પણ તપાસ અર્થે હાથવગા કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફૂટેજમાં જોવા મળે છે કે સક્ષમ નામનો યુવક વર્કઆઉટ કર્યા પછી ટ્રેડમિલ પર બેસતાની સાથે જ તેને વીજળીનો કરંટ લાગ્યો, જેના કારણે તેનું મોત નીપજ્યું.
મોતના મુખમાં ધકેલાઇ ગયેલો સક્ષમ દિવ્ય જ્યોતિ એપાર્ટમેન્ટ-સેક્ટર-૧૯-રોહિણીમાં વસવાટ કરે છે. તે ગુરુગ્રામ સ્થિત એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતો હતો. તે રોહિણી સેક્ટર-૧૫ સ્થિત જીમમાં વર્કઆઉટ કરતો હતો. સૌથી દુખની વાત એ છેકે મૃતકના પરિવારજનો સક્ષમના લગ્ન માટે યુવતી પણ પસંદ કરી રહ્યા હતા. અહીં એવું પણ જાણવા મળ્યું છેકે કેશવ નામનો યુવક પણ મોતને ભેટનાર સક્ષમ પાસે વર્કઆઉટ કરી રહ્યો હતો. સક્ષમને પડતા જોઈ કેશવે મૃતકનો હાથ પણ પકડી લીધો, જેના કારણે કેશવને પણ વીજ કરંટ લાગ્યો, પરંતુ કોઈક રીતે ટ્રેડમિલ મશીનને બંધ કરવામાં તે સફળ રહ્યો હતો. નોંધનીય છેકે આ બાબતે કેશવે તરત જ આસપાસ રહેલા લોકોની મદદ લીધી હતી.અને, બેભાન થયેલા સક્ષમના હાથ અને પગને ઘસીને હલનચલન જાણવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તાત્કાલિક લોકોએ સક્ષમને લઇને હોસ્પિટલ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ સક્ષમને મૃત જાહેર કર્યો. પોલીસે આ કેસમાં કેશવનું નિવેદન નોંધ્યું છે. સક્ષમના મૃત્યુથી ઘરમાં અરાજકતા છે. તે ઘરનો એકમાત્ર પુત્ર હતો. મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરતો હતો. પરિવારના સભ્યો તેના માટે છોકરી શોધી રહ્યા હતા, પરંતુ અકસ્માતે આખા પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે.