સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ભરથાણામાં ૨૫ વર્ષ પહેલા રૂપિયાની લેતીદેતીના થયેલ ઝઘડામાં મિત્રની હત્યા કરવાના ગુનામાં નાસતા-ફરતા આરોપીને આંધ્રપ્રદેશથી ઝડપી પાડ્યો છે. સુરત શહેરમાં વર્ષ ૧૯૯૯માં ઉમરા પોલીસની હદમાં આવેલ ભરથાણા ગામની નહેરમાંથી કબી પુનિયા નામના વ્યક્તિની ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેનો ગુનો ઉમરા પોલીસ મથકમાં નોંધાયો હતો. આ ગુનામાં સુરત પોલીસે ઘનિષ્ટ તપાસ હાથ ધરી ઓરિસ્સાના પોલસરામાં રહેતા આરોપી હાથી ઉર્ફે કાલીયા ઉદય જૈનાને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલ આરોપી કાલીયા જૈનાએ તેના મિત્ર દુર્ગો ગૌડ સાથે મળીને રૂપિયાની લેતીદેતીના ઝઘડામાં મિત્ર કબી પુનિયાને ભરથાણા ગામની સીમમાં એક ખેતરમાં લઈ જઈ કબી પુનિયાનું અસ્ત્રા વડે ગળું કાપી લાશને નહેરમાં ફેંકી દઈ વતન ઓરિસ્સા નાસી ગયો હતો, પરંતુ ઓરિસ્સામાં પોલીસની અવરજવર હોવાના કારણે તે આંધ્રપ્રદેશ જઇને કડિયા કામ કરતો હતો. જેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પાસેથી આરોપી કાલીયા જૈનાનો કબજો ઉમરા પોલીસે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચને આરોપીની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે ઉમરા વિસ્તારમાં ૨૫ વર્ષ પહેલા થયેલી હત્યાનો આરોપી કાલીયા નામનો વ્યક્તિ જ છે કે કેમ તેની ખરાઈ કરવા ચેક કરતા જાણવા મળ્યું કે આરોપીએ જ્યારે હત્યા કરી હતી ત્યારે તેના ડાબા હાથનો એક અંગૂઠો કપાયેલો હતો તે માહિતી જોતા આરોપીને હાથ ચેક કરતા તેના ડાબા હાથનો અંગૂઠો પણ કપાયેલો હતો અને અંગૂઠાના કારણે આખરે આરોપી પોલીસની પકડમાં આવી ગયો હતો. ઉમરા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.