રાજ્ય સરકારે રાજ્યમાં મુસાફરોની અવરજવર માટે રીક્ષાના દર નક્કી કર્યા છે. તદ્અનુસાર શહેરી વિસ્તારમાં પરિવહન દરમિયાન પ્રથમ ૧.૨ કિ.મી.ના રૂ.૧૫ અને ત્યારબાદના પ્રત્યેક અડધા કિ.મી.ના રૂ.૨ નક્કી કરાયા છે. આ ઉપરાંત પંદર કિલોથી ઓછા માલ સામાન માટે કોઇ ભાડુ લાગશે નહીં, ત્યાર બાદ પ્રત્યેક આર્ટીકલ દીઠ રૂ.૧ ભાડુ વસુલાશે. વધુમાં વધુ ૬૦ કિલોગ્રામની મર્યાદામાં સામાન લઇ જઇ શકાશે. આવો સામાન રીક્ષાની બહાર લટકતો હોવો જોઇએ નહીં.
આ ઉપરાંત શહેરી વિસ્તાર કે નગરપાલિકા વિસ્તારની બહાર જવા માટે દોઢુ ભાડુ વસુલવામાં આવશે. આ સિવાય પ્રથમ પાંચ મિનિટ બાદ પ્રત્યેક પાંચ મિનિટના વેઇટીંગ ચાર્જ તરીકે રૂ.૧ વસુલવામાં આવશે. મહત્તમ વેઇટીંગ સમય મર્યાદા શહેરની અંદરના વિસ્તાર માટે એક કલાક અને બહારના વિસ્તાર માટે બે કલાક રહેશે.
રાજ્યના બંદર અને વાહન વ્યવહાર વિભાગના આ અંગેના જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે રીક્ષાની મુસાફરી જે રાત્રીના ૧૧.૦૦ વાગ્યાથી વહેલી સવારના ૫.૦૦ વાગ્યા સુધીના સમયગાળામાં કરવામાં આવી હોય તો બેઝિક ભાડાના ૫૦ ટકા સરચાર્જ તરીકે વસુલવામાં આવશે.