નવસારી એલસીબી ટીમને મોટી સફળતા મળી છે. LCB એ ૪ રાજ્યોમાં હાહાકાર મચાવનાર ચોર ઝડપી પાડ્યો છે. આરોપીની ચોરીમાં અનોખી મોડસ ઓપરેન્ડી ધરાવે છે. તે દિવસના અજવાળામાં ચોરી કરવામાં માસ્ટર છે. મૂળ નંદુરબારના રહેવાસી જીમી ઉર્ફે દિપક શર્મા પર ૫૧ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. રીઢા ગુનેગારને ગાંધી ફાટક પાસેથી એલસીબી ટીમે દબોચી લીધો હતો. જે બાદ જલાલપોર પોલીસે કબજો મેળવી તપાસ શરૂ કરી છે.બપોરના સમયે મહિલાઓ બાળકોને ટ્યુશન મૂકવા કે પુરુષો કોઈ અન્ય કામથી થોડા સમય માટે બહાર જાય ત્યારે જ આ ખેલાડી પોતાનો ખેલ કરતો હતો. બાઈક લઈને નીકળે સાથે એક મોટું ડિસ્મિસ રાખે, ફ્લેટ કે બંધ બંગલાને નિશાન બનાવી બપોરના સમયે તાળું તોડી ઘરમાં પ્રવેશી લોકર ને તોડી માત્ર ૨૫ મિનિટમાં હાથ સફાયો કરી નાસી જતો આ ચોર છેલ્લા લાંબા સમયથી પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો.
LCB ના પોલીસ કર્મચારી સંદીપભાઈ પીઠાભાઈ તથા અર્જુનભાઈ પ્રભાકરને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે ગાંધી રેલવે ફાટક ઓવર બ્રિજના પશ્ચિમ અબ્રામા તરફ દક્ષિણ છેડે આરોપી પસાર થવાનો છે જેને આધારે વોચ ગોઠવતા આરોપી જીમી ઉર્ફે દિપક શર્મા આબાદ ઝડપાઈ ગયો હતો.પકડાયેલા આરોપીને જુગારનો શોખ હોય તે માત્ર જુગાર રમવા માટે ચોરીના રવાડે ચડ્યો હતો, ચોરી કરી સીધો તે મુંબઈ દિલ્હી જેવા શહેરોમાં જઈ મોટા મોટા ક્લબમાં પૈસા ઉડાવતો હતો અને પૈસા પુરા થયા બાદ ફરીવાર બંધ ઘરને નિશાન બનાવી સોના ચાંદીના ચોરી કરી પોતાનો મોજ શોખ પૂરો કરતો હતો.આરોપી પાસેથી મોટરસાયકલ, બે મોબાઈલ ફોન મળી કુલ ૭,૧૨,૩૭૦ નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે.