દિલ્હીના ભજનપુરામાં મંદિર અને મજાર તોડવાના મુદ્દે પણ રાજકારણ ગરમાયું છે. દિલ્હી પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ મંત્રી આતિશીએ આરોપ લગાવ્યો છે કે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ રાજધાનીમાં ત્રણ મંદિરો સહિત ૧૪ ધાર્મિક સ્થળોને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નરના આદેશ પર જ ભજનપુરામાં મંદિર અને મજારને તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રકારના કિસ્સાઓમાં લોકોની શ્રદ્ધાનું ધ્યાન રાખવું જોઈએ. એક ટ્વીટમાં આતિશીએ કહ્યું કે, તેમણે હાલમાં જ લેફ્ટનન્ટ ગવર્નરને આ મુદ્દે પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે સરકારના પૂર્વ મંત્રી મનીષ સિસોદિયાએ શહેરમાં ધાર્મિક સ્થળોને તોડી પાડવાનો વિરોધ કર્યો હતો. આતિશીએ પોતાના ટિ્વટમાં લેફ્ટનન્ટ ગવર્નરને લખેલો પત્ર પણ શેર કર્યો છે.
પત્રમાં તેમણે કહ્યું હતું કે મનીષ સિસોદિયાએ દિલ્હીમાં ધાર્મિક સ્થળોને તોડી પાડવાનો વિરોધ કરતા પ્રોજેક્ટનો નકશો બદલવાની સલાહ આપી હતી. AAP નેતાએ કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નરે આ મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ અને એવી કાર્યવાહી ન કરવી જોઈએ કારણ કે લોકોની આસ્થા ધાર્મિક સ્થળો સાથે જોડાયેલી છે. તેમણે લેફ્ટનન્ટ ગવર્નરને ધાર્મિક સ્થળો તોડી પાડવાના ર્નિણયને પાછો ખેંચવા વિનંતી કરી અને લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ ન પહોંચાડવાની અપીલ કરી. અતિક્રમણ હટાવવા અંગે ઉત્તર-પૂર્વ દિલ્હીના ડીસીપી જોય એન ટિર્કીએ કહ્યું છે કે મંદિર અને અન્ય ધાર્મિક સ્થળને હટાવવાનો ર્નિણય દિલ્હી ધાર્મિક સમિતિની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો કારણ કે આ વિસ્તારમાં પહોળા રસ્તાની જરૂર છે અને બીજી તરફ સહારનપુર હાઈવેનું કામ પણ ચાલી રહ્યુ છે. તેમણે કહ્યું કે ધાર્મિક સ્થળોને હટાવવાની સમગ્ર પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થઈ છે.
જણાવી દઈએ કે ભજનપુરમાં મંદિર અને મજારને હટાવવાની પ્રક્રિયા રવિવારે સવારે જ શરૂ થઈ ગઈ હતી. કોઈપણ વિરોધ અને અપ્રિય ઘટનાને ટાળવા માટે, સ્થળ અને વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. બંને ધાર્મિક સ્થળોને તોડીને બુલડોઝરની મદદથી કાટમાળ હટાવવામાં આવ્યો હતો.