૩૦ જૂન, ૨૦૨૩ એ આધાર કાર્ડને PAN સાથે લિંક કરવાની છેલ્લી તારીખ હતી. ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા છે કે શું આવકવેરા વિભાગ લિંક કરવાની સમયમર્યાદા લંબાવશે કે નહીં. હાલમાં, આવકવેરા વિભાગ તરફથી સમયમર્યાદા અંગે કોઈ અપડેટ આવ્યું નથી. પરંતુ આવકવેરા વિભાગે શુક્રવારે મોડી રાત્રે એક ટિ્વટમાં આધાર લિંકિંગ માટે ફીની ચૂકવણી કર્યા પછી PAN ધારકો દ્વારા ચલણ ડાઉનલોડ કરવામાં મુશ્કેલીની નોંધાયેલી ઘટનાઓની સ્પષ્ટતા કરી હતી. આવકવેરા વિભાગે તેના ટ્વીટમાં જણાવ્યું હતું કે આવા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં એવું જોવામાં આવ્યું છે કે PAN-આધાર લિંકિંગ માટે ફી ચૂકવ્યા પછી PAN ધારકોને ચલણ ડાઉનલોડ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવા મામલા માટે, જણાવવામાં આવી રહ્યું છે કે આવકવેરા પોર્ટલ પર લોગિન કર્યા પછી ‘ઈ-પે ટેક્સ’ ટેબમાં ચલણ ચુકવણીની સ્થિતિ ચકાસી શકાય છે. જો ચુકવણી સફળ થાય છે, તો PAN ધારક PAN ને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા સાથે આગળ વધી શકે છે.
વિભાગે ટ્વીટમાં વધુમાં જણાવ્યું છે કે જે મામલાઓમાં PAN કાર્ડધારકે પેમેન્ટ કર્યું છે અને સંમતિ આપી છે, પરંતુ ૩૦ જૂન, ૨૦૨૩ સુધી લિંક કરવામાં આવ્યું નથી, તેમના કેસોને વિભાગ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે અને રાહત આપવામાં આવશે. આવકવેરા વિભાગે કહ્યું કે PAN કાર્ડને લિંક કરવા માટે ચલણ રસીદ ડાઉનલોડ કરવાની જરૂર નથી. વિભાગે કહ્યું કે PAN ધારક સફળતાપૂર્વક ચુકવણી પૂર્ણ કરે કે તરત જ તેમને ચલણની નકલ સાથે એક ઈમેલ મોકલવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમને અલગથી ડાઉનલોડ કરવાની જરૂર નથી. આપને જણાવી દઈએ કે PANને આધાર સાથે લિંક કરવાનો કાયદો ૧ જુલાઈ ૨૦૧૭ થી અમલમાં આવ્યો છે. ૩૦ જૂન ૨૦૨૩ તેને લિંક કરવાની છેલ્લી તારીખ હતી. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ ૩૦ જૂન, ૨૦૨૩ સુધીમાં તેના આધારને PAN સાથે લિંક કરવામાં સક્ષમ ન હોય અને તેને પછીની તારીખે લિંક કરવા માંગે છે, તો આવકવેરા વિભાગને દંડ ચૂકવ્યા પછી બંનેને લિંક કરી શકાય છે.