ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગ આગ્રા અને મથુરા વચ્ચે હેલિકોપ્ટર સેવાઓ શરૂ કરવા માટે તૈયાર છે. રાજ્ય કેબિનેટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડલ હેઠળ શહેરના હેલીપોર્ટને રાજસ એરોસ્પોર્ટ્સ એન્ડ એડવેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડને લીઝ પર આપવાની મંજૂરી આપી છે. રાજ્યના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર આગ્રાના એતમાદપુર સબડિવિઝનમાં નવા બનેલા હેલિપોર્ટથી મથુરાના ગોવર્ધન સુધી કામ કરશે, જ્યાં અન્ય હેલિપોર્ટનું નિર્માણ ચાલી રહ્યું છે.
અગાઉ, ઓછામાં ઓછી પાંચ હેલિકોપ્ટર ઓપરેટિંગ કંપનીઓએ આગ્રા અને મથુરા વચ્ચે સેવાઓ શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો હતો, જેમાંથી બે શહેરો વચ્ચે હેલિકોપ્ટર સેવાઓ પ્રદાન કરવા માટે રાજસ એરોસ્પોર્ટ્સ એન્ડ એડવેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડની પસંદગી કરવામાં આવી હતી.પ્રિન્સિપલ સેક્રેટરી, પ્રવાસન, મુકેશ મેશ્રામે જણાવ્યું હતું કે, રાજસ એરોસ્પોર્ટ્સ અને એડવેન્ચરને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન પાસેથી મંજૂરી લેવી પડશે, ત્યારબાદ કંપની આગરા અને મથુરા વચ્ચે સેવાઓ શરૂ કરી શકશે.બીજા તબક્કામાં લખનૌ, પ્રયાગરાજ અને કપિલવસ્તુ પછી વારાણસી અને અયોધ્યામાં સેવાઓ શરૂ થશે. તેમણે કહ્યું કે, બેથી ચાર વર્ષમાં રાજ્યના ૨૦-૨૫ શહેરોમાં આ સેવાઓ કાર્યરત થઈ જશે.મુકેશ મેશ્રામે કહ્યું, ‘આ પહેલીવાર છે જ્યારે ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગ આવી સેવા ચલાવી રહ્યું છે. આ હેલિપોર્ટ રાજસ એરોસ્પોર્ટ્સ એન્ડ એડવેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડને વાર્ષિક ૨૫,૦૦,૫૦૦ રૂપિયામાં લીઝ પર આપવામાં આવશે. બે હેલીપોર્ટના નાણાકીય મોડલના આધારે, વિભાગની કન્સલ્ટન્સી ફર્મ કેપીએમજીએ રૂ. ૧૩.૫૦ લાખની લઘુત્તમ બેઝ પ્રાઇસ નક્કી કરી હતી, જેની સામે ફર્મ દ્વારા કિંમતની બિડ ૮૫.૨૦ ટકા વધારે છે. લીઝની શરતો હેઠળ, પસંદ કરાયેલી પેઢીએ કરાર પૂર્ણ થાય તે પહેલાં રૂ. ૨,૦૩,૮૪,૦૦૦ ચૂકવવા પડશે. લીઝ ૩૦ વર્ષ માટે છે. ડેવલપરને વિકાસ કાર્ય કરવા માટે બે વર્ષનો સમય આપવામાં આવશે ત્યારબાદ લીઝ ૩૦ વર્ષ માટે રિન્યુ કરવામાં આવશે.