અમદાવાદમાં તારીખ ૨૫ જૂનના રાતના સમયે નિકોલમાં વિસ્તારમાં એક વૃદ્ધની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. નિકોલમાં જ રહેતા અને ટિફિન સર્વિસનું કામ કરતા શ્યામસુંદર નામના વૃદ્ધ પોતાના ઘરેથી ટિફિન આપવા ચાલીને જઈ રહ્યા હતા તે સમયે મંગલ પાંડે હોલ પાસે અજાણ્યા વ્યક્તિએ વૃદ્ધને છરી ના ઘા માર્યા હતા. જોકે આ બનાવ ત્યાંથી પસાર થતા લોકો જોઈ જતાં તાત્કાલિક વૃદ્ધને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હત્યાના બનાવની જાણ થતાં નિકોલ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હત્યારાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે હત્યારાની ધરપકડ કરી છે. પોલીસે હત્યારા ની પૂછપરછ કરતા સામે આવતું છે કે હત્યારાનું નામ મનોજ ઉર્ફે લલ્લુ પટણી છે. મનોજ ૨૫ તારીખે રાત્રે તેના મિત્ર હિતેશ ઉર્ફે ભોલા ને મળવા ગયો હતો અને બંને રિક્ષામાં બેઠા હતા. મનોજે હિતેશ પાસે બહાર ફરવા જવું હોવાથી પાંચ હજાર રૂપિયા માંગ્યા હતા. જોકે મિત્ર હિતેશે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. જેથી આવેશમાં આવીને મનોજ ત્યાંથી પસાર થઈ રહેલા શ્યામ સુંદર નામના રાહદારીને છરીના ઘા માર્યા હતા. મનોજ નો ઈરાદો એવો હતો કે તે કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલો કરશે અને તેના મિત્ર હિતેશ પર પોતાની રોફ જમાવશે, અને જો પોલીસ પકડશે તો હુમલો તેના મિત્ર હિતેશ દ્વારા કરવામાં આવ્યો હોવાનું જણાવી દેશે. મનોજ ને તેના મિત્ર હિતેશ ૫ હજાર રૂપિયા આપ્યા નહિ તે જ કારણથી મનોજે રોફ જમાવવા રાહદારી વૃદ્ધ પર હુમલો કર્યો હતો.
જોકે પોલીસ પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે અગાઉ આરોપી મનોજે હિતેશ પાસે રૂપિયાની ત્યારે આપ્યા હતા અને તે રૂપિયા મનોજે પણ હિતેશ ને પરત કરી આપ્યા હતા. તેથી આ વખતે હિતેશ પૈસા આપવાની નાં પાડતા મનોજ ને ગુસ્સો આવ્યો હતો. પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે આરોપી મનોજ નશો કરેલી હાલતમાં હતો. આ ઉપરાંત મનોજ ઉપર ભૂતકાળમાં પણ અનેક ગુના ઓ નોંધાઈ ચુક્યા છે અને પાસાની સજા પણ ભોગવી ચુક્યો છે. હાલ તો પોલીસે મનોજની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.