ગુજરાત યુનિવર્સિટીનો ફરી એકવાર નવો વિવાદ સામે આવ્યો છે. બેચલર ઓફ હોમિયોપથી એન્ડ સર્જરીના ૮ વિદ્યાર્થીઓને પહેલા નાપાસ કર્યા બાદ સુધારા સાથે ફરીથી પરિણામ જાહેર કરી પાસ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ વિદ્યાર્થી પાંખ NSUI કરી રહ્યું છે. તો યુનિવર્સિટી આ સુધારાઓને નિયમો સાથે કરેલો સુધારો ગણાવે છે.ગુજરાત યુનિવર્સિટીમાં માર્ક સુધારવામાં આવતા હોવાના આક્ષેપ NSUI એ કર્યા છે. સૌપ્રથમ ૨૨ જૂને હોમીયોપથીનુ પરિણામ જાહેર કરવામા આવ્યુ હતુ, પરંતુ તેમાં સુધારા કરીને એજ પરિણામ ૨૪ જૂને ફરિવાર જાહેર કરવામા આવ્યુ છે. જેમાં આઠ જેટલા વિદ્યાર્થીઓના માર્ક્સ સુધારવામા આવ્યા છે.
પહેલા જાહેર થયેલા પરિણામોમાં જે વિદ્યાર્થીઓ નાપાસ હતા તેમને પાસ કરી દેવામા આવ્યા છે.વિદ્યાર્થીઓને ગ્રેસીંગ આપવુ એ યુનિવર્સિટીનો નિયમ છે પરંતુ રિએસેસમેન્ટ વગર માર્ક સુધારીને તેમાં ગ્રેસિંગ આપવુ તે નિયમ વિરૂધ્ધ છે. અનેક વિદ્યાર્થીઓને બે બે વિષયમાં માર્ક સુધારીને ગ્રેસીંગ આપીને પાસ કરવામા આવ્યા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.કલોલ ખાતે આવેલી એક જ કોલેજના માર્ક સુધરતા આ કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનો આક્ષેપ વિદ્યાર્થી સંગઠને કર્યો છે. વિદ્યાર્થી નેતા સંજય સોલંકી જણાવે છે કે ગ્રેસિંગ થાય તો એ નિયમ મુજબ હોય. પરંતુ આ કેસમાં પહેલા ગ્રેસિંગ મેળવવા માર્ક્સ ઉમેરવામાં આવ્યા અને ત્યારબાદ એમને ગ્રેસિંગ આપી પાસ કરવામાં આવ્યા છે.
NSUIના દાવા મુજબ નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓને ગ્રેસિંગ મળવા યોગ્ય હોય છે. જો કે માર્કસમાં સુધારો ના થઇ શકે. જો કે ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે આ બાબતે બચાવ કરતા જણાવ્યુ કે તમામ પરિણામો નિયમને આધીન જ જાહેર કરવામા આવ્યા છે.પહેલા પરિણામમાં ભુલ જણાતા તેને પાછુ ખેંચીને સુધારા સાથે જાહેર કરવામા આવ્યુ છે. નિયમ ૧૩૯ અને ૧૪૦ મુજબ ૬૦ ટકાથી વધુ માર્ક મેળવનાર વિદ્યાર્થીને ૧૦ માર્ક જ્યારે તેનાથી ઓછા પરિણામ લાવનારને ૩ માર્કનુ ગ્રેસિંગ આપી શકાય છે.ગુજરાત યુનિવર્સીટીના પરીક્ષા વિભાગના નિયામક કલ્પેન વોરાએ જણાવ્યુ હતુ કે મેડિકલ ફેકલ્ટી માટે કેટલાક અલગ નિયમો હોય છે. જેમાં ગ્રેસિંગ આપવા માટે ખૂટતા માર્ક્સ પણ આપવામાં આવતા હોય છે. એટલે જે કંઈપણ કરાયું છે તે નિયમોને આધીન કરવામાં આવ્યું છે.