યુએસ પ્રવાસના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટનના રોનાલ્ડ રીગન સેન્ટરમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના ચાર દિવસીય પ્રવાસ સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી હતી. PM મોદીએ કહ્યું કે અમેરિકાએ બેંગ્લોર અને અમદાવાદમાં બે કોન્સ્યુલેટ ખોલવાની જાહેરાત કરી છે. આ લોકો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપશે. આ સિવાય વડાપ્રધાન મોદીએ H-1B વિઝા સાથે જોડાયેલી બાબતો જણાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે H-1B વિઝાનું રિન્યુ અમેરિકામાં જ થશે. આ માટે તમારે બહાર જવાની જરૂર નથી. વિઝા રિન્યુઅલ માટે આ વર્ષે પાઈલોટ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે નવા વિઝા નિયમો ભારતીયો માટે યુએસમાં રહેવા અને કામ કરવાનું સરળ બનાવશે. પીએમ મોદીએ કહ્યું કે આવનારા સમયમાં પાયલોટ પ્રોજેક્ટને મોટી સંખ્યામાં વિસ્તારવામાં આવી શકે છે.
નાણાકીય વર્ષ ૨૦૨૨માં, અમેરિકા દ્વારા જાહેર કરાયેલા કુલ H-1B વિઝામાંથી, લગભગ ૪,૪૨,૦૦૦ વિઝામાંથી ૭૩ ટકા ભારતીયોને જ આપવામાં આવ્યા હતા. દિલ્હીમાં અમેરિકન એમ્બેસીએ વિશ્વના સૌથી મોટા યુએસ રાજદ્વારી મિશનમાંનું એક છે. અમેરિકન એમ્બેસી ચાર કોન્સ્યુલેટ્સ (મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને હૈદરાબાદ) સાથે વિઝા સંબંધિત કાર્યનું સંકલન કરે છે. આ સુનિશ્ચિત કરે છે કે અમેરિકા-ભારત સંબંધો મજબૂત છે.