ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઝનોર વિસ્તારમાં અમદાવાદના જવેલર્સ મુકેશ ત્રિલોકચંદ સોનીને આંતરી ૧ કરોડની લૂંટ ચલાવાઈ હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા ભરૂચ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સૂત્રો અનુસાર સોનાના દાગીનાનો વેપારી ઝણોરમાં દાગીનાની ડિલિવરી આપવા જઈ રહ્યો હતો ત્યારે બે કારમાં આવેલા લૂંટારૃઓએ ઝનોર નજીક તેની કારણે આંતરી ઉભી રખાવી હતી. આ બે કારમાં સવાર ૪ થી ૫ લોકો પિસ્ટલ જેવા હથિયાર સાથે ઉતર્યા હતા જેણે સોનાના દાગીનાના વેપારીને હથિયાર બતાવી તેની પાસેના ૨ કિલો સોનાના દાગીના અને અંદાજિત ૫લાખ રૂપિયા લૂંટી લઈ ફરાર થઇ ગયા હતા.અમદાવાદના જવેલર્સ ભરૂચ જિલ્લાના જ્વલર્સ પાસે દાગીનાના ઓર્ડર લઈ તેની સમયાંતરે ડિલિવરી આપવા આવતા હોય છે. આ બાબત લૂંટારૃઓના ધ્યાને આવી જતા આજે અમદાવાદના માણેકચોકના જવેલર્સ મુકેશ ત્રિલોકચંદ સોની ઝનોર તરફ જઈ રહ્યા હતા ત્યારે બે કાર તેમની કારની આગળ -પાછળ ચાલવા લાગી હતી.
કારમાં સવાર લોકોએ મુકેશભાઈની કાર થોભાવી હતી જે બંદૂક બતાવી મુકેશભાઈની કારમાંથી ૧ કરોડ રૂપિયાની કિંમતના ૨૦૦ તોલા સોનાના દાગીના અને ૫ લાખ રોકડ લઈ પલાયન થઇ ગયા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા અધિકારીઓ દોડી આવ્યા હતા.ઝનોર નજીક ૨૦૦ તોલા સોનાના દાગીનાની લૂંટનો મામલો સામે આવતા પોલીસતંત્ર દોડતું થઈ ગયું છે. ઝનોર અને આસપાસના તમામ એક્ઝિટ પોઇન્ટ ઉપર નાકાબંધી અને પેટ્રોલિંગ વધારી દેવાયું છે તો સાથે સાથે આ માર્ગને જોડતા વિસ્તારોમાં પેટ્રોલ પમ્પ અને હોટલોના સીસીટીવી ફૂટેજની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. લૂંટારુઓ નેશનલ હાઇવે તરફ ફરાર થયા હોવાનો પોલીસને અંદાજ છે જેના આધારે ટોલબુથ ઉપર પણ વોચ ગોઠવવામાં આવી છે. ભરૂચ એસપીના માર્ગર્શન હેઠળ ડીવાયએસપી , ક્રાઇબ્રન્ચ અધિકારીઓ , એસઓજી અધિકારીઓ અને ડિવિઝનની ટીમ તપાસમાં જોતરી દેવાઈ છે.