ભારત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ “પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમીકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રીજન” (PCPIR) દહેજ અંગે માહીતી આપતા કેન્દ્રીય કેમિકલ્સ, પેટ્રોકેમીકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, PCPIR એ ભારત સરકાર માટે ખુબ મહત્વની પરિયોજના છે અને તેના ઝડપી વિકાસ માટે તમામ પગલાં લેવાઈ રહ્યા છે.
PCPIR ક્ષેત્રમાં રોડ, બંદર અને રેલ જોડાણ વધારવા માટે સરકારે મહત્વના પગલા લીધા છે. જેમાં અમદાવાદ બરોડા રાજમાર્ગને મુંબઈ સુધી લંબાવવા, દહેજ-ભરૂચ માર્ગને અપગ્રેડ કરી ૬ માર્ગીય બનાવવો, PCPIR ક્ષેત્રમાં આવતા વિવિધ 42 કિમી સ્ટેટ હાઇવેને 4 માર્ગીય બનાવવા, દહેજ-વાગરા-ભરૂચ માર્ગને અપગ્રેડ કરવો, PCPIR થી NH-48ને જોડતો લીંક રોડ બનાવવો, PCPIRથી દહેજ પોર્ટને જોડતો 8 કિમી માર્ગ અપગ્રેડ કરવો, ભરૂચ-દહેજ 62 કિમીની રેલ માર્ગને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવું, દિલ્હી-મુંબઈ ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર PCPIRને જોડાશે, વિગેરે મહત્વના કામો કરવામાં આવેલ છે.
ભારત સરકાર દ્વારા PCPIRને મળતા પ્રોત્સાહન અને અગ્રતાના કારણે વર્ષ 2018-19નાં માત્ર એક વર્ષમાં રૂ. 25,163 કરોડ જેટલું મૂડી રોકાણ આકર્ષવામાં સફળ રહ્યા છીએ. PCPIR ખાતે તેનાં એન્કર ક્લાયન્ટ OPaL સિવાય એમઆરએફ લીમીટેડ, GACL-NALCO Alakalies, બોદલ કેમિકલ્સ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, ઇમામી ગ્રુપ, કુકડો કેમિકલ્સ, Perstorp જેવા અગ્રણી વ્યાવસાયી ગૃહોએ PCPIRમાં મહત્વનું રોકાણ કરેલ છે.
ભરૂચ અને વાગરા તાલુકાના 44 જેટલાં ગામોમાં 45,300 હેકટરમાં ફેલાયેલ PCPIRનાં લીધે આ વિસ્તારનાં વિકાસ સાથે રોજગારીની પણ મોટી તક ઉભી થવા પામી છે. હાલમાં PCPIR ક્ષેત્રમાં 36 હજારથી પણ વધું લોકોને પ્રત્યક્ષ રોજગારી, 96 હજાર લોકોને અપ્રત્યક્ષ રોજગારી, અંદાજે એક લાખ લોકોને PCPIR ક્ષેત્રમાં ચાલતા બાંધકામમાં રોજગારી પ્રાપ્ત થઇ હતી તથા સ્વ-રોજગારીની પણ અનેક તકો ઉભી થવા પામી છે.
ભારત સરકારનાં સાહસ અને PCPIRનાં એન્કર ક્લાયન્ટ OPaL અંગે વાત કરીએ તો વર્ષ 2017-18 દરમિયાન રૂ.4962 કરોડની કિંમતનું 6.50 લાખ ટન પોલીમર અને રૂ.870 કરોડની કિંમતના 2 લાખ ટન કેમિકલ્સનું વેચાણ કરવામાં આવ્યું હતું, તે પૈકી 10થી વધુ દેશોમાં 51 હજાર ટન પોલિમરની નિકાસ કરવામાં આવી હતી. ભવિષ્યમાં PCPIR હૂંડિયામણ કમાવી આપવામાં પણ મહત્વની ભૂમિકા અદા કરશે.
આમ, PCPIR એ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને એક નવી ઉર્જા પ્રદાન કરી રહ્યું છે, તથા ભવિષ્યમાં ગુજરાતની ઓળખ બની રહેશે, તેમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતુ.