કોકા-કોલા ઈન્ડિયા, જે એક અગ્રણી વૈશ્વિક બેવરેજ કંપની છે, તેને “જળ સંરક્ષણ ક્ષેત્રે CSR પ્રવૃત્તિઓ માટે શ્રેષ્ઠ ઉદ્યોગ” કેટેગરીમાં નેશનલ વોટર એવોર્ડ ૨૦૨૨ એનાયત કરવામાં આવ્યો છે. કંપની જળ વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનારી ભારતની પહેલી બેવરેજ કંપની છે. આ એવોર્ડ કંપનીના નોંધપાત્ર જલધારા પ્રોજેક્ટ માટે ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યો છે. કોકાકોલા ઇન્ડિયા ફાઉન્ડેશન ‘આનંદના’ અને ઇમ્પ્લીમેન્ટેશન પાર્ટનર એસએમ સેહગલ ફાઉન્ડેશન દ્વારા આ જલધારા પ્રોજેક્ટ કર્ણાટકના કોલાર જિલ્લામાં અને આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ભૂગર્ભજળના સ્તરમાં નોંધપાત્ર સુધારો કરીને, એકંદર પાકની ઉત્પાદકતામાં વધારો કરીને અને અસરકારક જળ સંસાધન વ્યવસ્થાપન દ્વારા ખેડૂતોની આજીવિકામાં સુધારો કરીને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો છે.
નેશનલ વોટર એવોર્ડ્સની શરૂઆત વર્ષ ૨૦૧૮માં કરવામાં આવી હતી. આ એવોર્ડ એવી કંપનીઓને સન્માનિત કરવા અને માન્યતા આપવા માટે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા, જેઓ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પર્યાવરણીય વ્યવસ્થાપન અને સામાજિક પ્રભાવોને પ્રમોટ કરવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરે છે. ‘જલ સમૃદ્ધ ભારત’ ના સરકારના વિઝન સાથે સંલગ્ન આ એવોર્ડ્સનો હેતુ સમગ્ર દેશમાં વિવિધ વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા પ્રશંસનીય પ્રયાસોને હાઇલાઇટ કરવાનો અને તેની સરાહના કરવાનો છે. પાણીના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવીને અને શ્રેષ્ઠ વોટર મેનેજમેન્ટ પ્રેક્ટિસિસને અપનાવવાની બાબતને પ્રોત્સાહન આપીને, આ ઇવેન્ટ કોલાબોરેશન એટલે કે સહયોગને પ્રોત્સાહિત કરે છે તેમજ જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન સંબંધિત પહેલોમાં જાહેર જનતાના જોડાણને મજબૂત કરે છે.
એસએમ સેહગલ ફાઉન્ડેશનની ભાગીદારીમાં શરૂ કરવામાં આવેલ જલધારા વોટર પ્રોજેક્ટનો ઉદ્દેશ ભારતમાં પાણીની અછતવાળા વિસ્તારોમાં ભૂગર્ભજળનું સ્તર ઊંચું લાવવાનો હતો. કોકા-કોલા ઈન્ડિયાએ આ પ્રોજેક્ટ હેઠળ કોલાર (કર્ણાટક)માં પાણીની ટાંકીનું ડિસિલ્ટેશન કરીને અને અનંતપુર (આંધ્ર પ્રદેશ)માં ચેકડેમ બનાવીને, આ દિશામાં પ્રશંસનીય પ્રગતિ કરી છે.
પબ્લિક અફેર્સ, કોમ્યુનિકેશન્સ એન્ડ સસ્ટેનેબિલિટી ફોર ઇન્ડિયા એન્ડ સાઉથવેસ્ટ એશિયાના વાઇસ પ્રેસિડેન્ટ દેવયાની રાજ્યલક્ષ્મી રાણાએ કહ્યું કે, “નેશનલ એવોર્ડ્સમાં સીએસઆર (CSR) કેટેગરી માટે શ્રેષ્ઠ ઉદ્યોગોમાં બીજા ક્રમાંક માન્યતા પ્રાપ્ત કરવા માટે અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. તમામ માટે સસ્ટેનેબલ અને સર્વસમાવેશી ભવિષ્યની દિશામાં સમર્પણથી કામ કરવાની અમારી ભાવનાને આ એવોર્ડથી ઘણું બળ મળ્યું છે. જલધારા પ્રોજેક્ટે પરિવર્તનકારી અસર કરી છે, સકારાત્મક રીતે સમુદાયોને પ્રભાવિત કર્યા, અને સમગ્ર ભારતમાં પીડિત વિસ્તારોના સર્વગ્રાહી વિકાસમાં યોગદાન આપ્યું છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “અમારી પાણી આધારિત પહેલો વહેંચાયેલા પાણીના પડકારોને ઘટાડવા, પ્રાથમિકતા ધરાવતા વોટરશેડ્સ એટલે કે જળાશયોના સ્વાસ્થ્યને સુધારવા અને કોમ્યુનિટી વોટર રેઝિલિયન્સ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમે અમારી કામગીરીમાં જેટલા પાણીનો વપરાશ કરીએ છીએ, તેના ૨૦૦% થી વધુ પાણી અમે ફરીથી ભરી દઇએ છીએ. કોકાકોલા ઇન્ડિયા માનનીય વડાપ્રધાનશ્રીના મિશન LiFE માટેના આહ્વાનને સંલગ્ન રહીને કામગીરી કરી રહી છે. મિશન LiFE પર્યાવરણને અનુકૂળ વર્તનને પ્રોત્સાહિત કરતી ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા પ્રો-પ્લેનેટ પીપલ અભિગમ પર ભાર મૂકે છે.”
એસએમ સેહગલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અંજલિ મખીજાએ જણાવ્યું, “કોકાકોલા ઇન્ડિયા જેવી સંસ્થાઓ સાથે અર્થપૂર્ણ ભાગીદારી દ્વારા, અમે સમુદાયોમાં કાયમી પરિવર્તન લાવવામાં ખૂબ ગર્વ અનુભવીએ છીએ. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરવા તરફના અમારા અતૂટ સમર્પણનો પુરાવો છે. અમે ઘણા સકારાત્મક પરિણામો મેળવ્યા છે, જેવાં કે, માટીની ગુણવત્તામાં વધારો, પાકની ઉપજમાં વધારો તેમજ અનંતપુરમાં ચેકડેમનું નિર્માણ કરીને અને સુધારેલ ભૂગર્ભજળના પ્રવાહ દ્વારા કોલારમાં ટાંકીઓનું ડિસિલ્ટિંગ અને કાયાકલ્પ કરીને ભૂગર્ભજળના સ્તરમાં નોંધપાત્ર વધારો. સ્થાનિક સમુદાયો સાથે મળીને કામ કરીને જળ સંસાધનોની પહોંચ વધારવાને કારણે આ સિદ્ધિઓ શક્ય બની છે.”
જલધારા પ્રોજેક્ટનું સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ અને સેન્ટ્રલ વોટર કમિશનની ટેકનિકલ સ્ક્રીનીંગ કમિટી દ્વારા સખ્ત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મૂલ્યાંકનમાં ભૂગર્ભજળ રિચાર્જ, વોટર મેનેજમેન્ટ ગવર્નન્સ, સામાજિક-આર્થિક અસર અને લાભાર્થીઓની સંખ્યા સહિત વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.