મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, બૈશાખીનું પર્વ એ સમરસતા-સૌહાર્દનું પર્વ છે. ગુરુ ગોવિંદસિંહે ધર્મ-સંસ્કૃતિ અને રાષ્ટ્ર રક્ષા માટે ત્યાગ-અને બલિદાનના આદર્શો ને પ્રબોધ્યા છે ત્યારે ત્યાગ -બલિદાન-સમર્પણની ભાવનાથી રાષ્ટ્રરક્ષા માટે સૌ સમાજ સક્રિય બને તે સમયની માંગ છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય મંત્રીએ આજે અમદાવાદના મણીનગર સ્થિત ગુરુદ્વારા- ગુરુનાનક દરબારમાં આયોજિત બૈશાખી પર્વમાં સહભાગી થઇ ગુરુ ગ્રંથ સાહેબની ગાદીએ મસ્તક ટેકવી આશિર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે ગુરુ ગોવિંદસિંહ અને ગુજરાતનો નાતો અતૂટ રહ્યો છે. ગુરુ ગોવિંદસિંહે ભારતના અલગ અલગ ખૂણેથી પાંચ પ્યારાની પસંદગી કરી હતી. તેમાં ગુજરાતના જામનગર, દ્વારાકાના મોખમસીંગ પણ હતા.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના સમાજ જીવનમાં ઓતપ્રોત થઇ ગયેલા શીખ પરિવારો માટે શ્રદ્ધાના ત્રણ સ્થાનકો ભરૂચ, બેટ-દ્વારકા અને લખપતમાં છે. રાજ્ય સરકારે લખપત અને
બેટ-દ્વારકાના માળખાકીય વિકાસના કામો હાથ પર લીધા છે અને રૂા. પાંચ – પાંચ કરોડ ફાળવ્યા છે, સાથે સાથે લખપત ગુરૂદ્વારામાં પ્રવાસન વિભાગ દ્વારા આંતરમાળખાકીય સુવિધાની કામગીરી પણ હાથ પર લીધી છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ બંને સ્થળે હાઇપાવર-લૉ પાવર ટ્રાન્સમીશન સપ્લાય લાઇન, પાણી પુરવઠો, સુએઝ લાઇનની કામગીરી ઉપરાંત બ્યુટીફિકેશન, સોલાર પેનલ, સી.સી.ટીવી પણ પુરા પડાશે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવીને વસેલા સૌએ ગુજરાતી સંસ્કૃતિ-ભાષાને આત્મસાત કરી છે. આ ગુજરાતના સમાજ જીવનની આગવી તાસીર છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે – જ્યારે જરૂર પડી ત્યારે શીખ સમુદાયે સંઘર્ષ અને ત્યાગની પરાકાષ્ઠા સર્જી છે. રાજ્યના વિકાસ માટે શૌર્ય, વીરતા,ધૈર્ય, સાહસ, પરાક્રમ, ત્યાગ, તપસ્યા જેવા સદગુણો સૌને પ્રેરણા આપતા રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત માઇનોરિટીઝ ફાઇનાન્સ એન્ડ ડેવલપ કોર્પોરેશનના ડાયરેક્ટર પરમજીત કૌર છાબડાએ જણાવ્યું હતું કે, ત્યાગ-બલિદાનના પ્રતિક સમો શીખ સમુદાય આજે ગુજરાતના સમાજ જીવનમાં સમરસ બન્યો છે ત્યારે ગુજરાત સરકારની લખપત અને બેટ-દ્વારકાના ગુરુદ્વારાના વિકાસ માટેની પહેલને તેમણેુ આવકારી હતી.