પહેલું પોસ્ટર રિલીઝ થવાની સાથે જ ‘આદિપુરુષ’નો વિવાદ શરૂ થયો હતો. ફિલ્મમાં ભગવાન હનુમાનજી અને રાવણના કેરેક્ટરને યોગ્ય રીતે ન દર્શાવાયા હોવાની છાપ ઊભી થતાં ફિલ્મ વિલંબમાં મૂકાઈ હતી. નવા વીએફએક્સ અને કેરેક્ટર્સના નવા લૂક સાથે ફિલ્મનું ફાઈનલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. તેના માટે તિરુપતિ મંદિરમાં ભવ્ય ઈવેન્ટનું આયોજન થયું હતું. ટ્રેલર લોન્ચ બાદ ‘આદિપુરુષ’ની ટીમ ભગવાન વેંકટેશ્વરના મંદિરમાં દર્શન માટે ગઈ હતી. આ સમયે ડાયરેક્ટર ઓમ રાઉતે ક્રિતિ સેનનને ગુડબાય કિસ કરતાં ફિલ્મ ફરી વિવાદમાં ઘેરાઈ છે.
ફિલ્મની ટીમે તિરુપતિના વેંકટેશ્વર મંદિરમાં દર્શન કર્યા તે સમયનો વીડિયો સોશિયલ મડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. તેમાં ક્રિતિ સનો, પ્રભાસ અને ડાયરેક્ટર ઓમ રાઉત મંદિર પરિસરમાં છે. દર્શન બાદ ક્રિતિ સેનન પણ ટીમની સાથે વિદાય લેવાની તૈયારીમાં હતી. આ સમયે ઓમ રાઉત તેને ગળે લગાવે છે અને પછી ગાલ પર ગુડબાય કિસ કરે છે. મંદિરમાં કિસ કરવાની અને ગળે લગાવવાની હરકતથી વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર ફિલ્મને ટ્રોલ કરનારાની સંખ્યા અઅચાનક વધી ગઈ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગળે મળવાનું કે ગુડ બાય કિસ આપવાનું વલણ પ્રચલિત છે. ભાજપના સ્ટેટ સેક્રેટરી રમેશ નાયડુએ ટિ્વટર પર આ ઘટના સંદર્ભે ગુસ્સો ઠાલવ્યો હતો. તેમણે મંદિરમાં આ પ્રકારના વર્તનને અપમાનજનક ગણાવ્યું હતું. થોડા સમય બાદ તેમણે ટિ્વટ ડિલીટ કરી હતી. જો કે ત્યાં સુધીમાં વિવાદ શરૂ થઈ ગયો હતો. ૧૬ જૂને આ ફિલ્મ થીયેટરમાં રિલીઝ થઈ રહી છે તે પૂર્વે સર્જાયેલો આ વિવાદ બોક્સઓફિસ પર અસર કરે છે કે નહીં તે જોવું રહ્યું.