પ્રભાસ અને ક્રિતિ સેનનની ‘આદિપુરુષ’ની રિલીઝ ડેટ નજીક આવી રહી છે ત્યારે રામાયણ પર વધુ એક બિગ બજેટ ફિલ્મ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રામાયણ આધારિત નિતેશ તિવારીની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ રાવણના કેરેક્ટર માટે એક્ટર ફાઈનલ નહીં થતાં પ્રોજેક્ટ વિલંબમાં મૂકાયો હતો. રિસેન્ટ રિપોર્ટ્સ મુજબ, રામાયણની લીડ કાસ્ટ ફાઈનલ થઈ છે અને પ્રી પ્રોડક્શનનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયાની જોડી જોવા મળશે, જ્યારે કેજીએફ ફેમ યશ પણ મહત્ત્વની ભૂમિકામાં રંગ જમાવશે. ફિલ્મ સાથે સંકળાયેલા સોર્સીસે જણાવ્યું હતું કે, પ્રોડક્શન હાઉસની ઓફિસમાં પાછલા કેટલાક અઠવાડિયાથી રણબીરની અવર-જવર વધી છે. ભગવાન રામના રોલમાં રણબીર કપૂરના લૂકનો હાલ ટેસ્ટ ચાલી રહ્યો છે. પ્રી-વીઝ્યુલાઈઝેશનની આ પ્રક્રિયામાં રણબીરનો લૂક ફાઈનલ કરવામાં આવશે. ત્યારબાદ રોલની ડીમાન્ડ મુજબ, રણબીર કપૂરે ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. રણબીરની સાથે ક્યારેક આલિયા પણ મુંબઈ ખાતે આવેલી પ્રોડ્યુસરની ઓફિસમાં જોવા મળે છે. નિતેશ તિવારી, નમિત મલહોત્રા અને મધુ મંટેનાએ મહાકાવ્ય આધારિત મહા ફિલ્મના પ્રી-વિઝ્યુલાઈઝેશન માટે આખી ટીમ કામે લગાડી છે.
આલિયા ભટ્ટ આ ફિલ્મમાં સીતા માતાનો રોલ કરવાની છે. ફિલ્મ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ દિવાળી પર થઈ શકે છે. નિતેશ તિવારીએ રામાયણ આધારિત ફિલ્મ બનાવવાનું વિચાયંર્ુ ત્યારથી આલિયા ભટ્ટ જ પહેલી ચોઈસ હતી. જો કે આલિયાની ડેટ્સ મળી શકી ન હતી. બીજી બાજુ રાવણના રોલ માટે પણ પસંદગી ફાઈનલ થઈ ન હતી. આલિયા અને રણબીર રીયલ લાઈફ કપલ છે અને તેમને બોલિવૂડની આદર્શ જોડી ગણવામાં આવે છે. તેથી ઓડિયન્સને આ જોડી પસંદ આવશે તેવું મેકર્સનું માનવું છે. રાવણના રોલ માટે પાછલા આઠ મહિનાથી કેજીએફ સ્ટાર યશ સાથે વાતચીત ચાલી રહી છે. યશ તરફથી પોઝિટિવ જવાબ આવ્યો છે, પરંતુ હજુ યશે આ ફિલ્મ સાઈન કરી નથી. ફિલ્મના મેકર્સ સાથે શરતો નક્કી થઈ ગયા પછી યશ ઓફિશિયલી આ ફિલ્મ સાથે જોડાઈ જશે. હાલ તો રણબીર અને આલિયાને ભગવાન રામ અને સીતા માતાના કેરેક્ટરમાં નિખારવાનું કામ ચાલી રહ્યું છે. યશ તરફથી પણ થોડા દિવસોમાં કન્મફર્મેશન આવે તેવી શક્યતા છે. આ ફિલ્મ ફ્લોર પર જાય તે પહેલાં આદિપુરુષ રિલીઝ થઈ જશે. તેથી તેની સીધી સરખામણી આદિપુરુષ સાથે થવાની છે.