વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ડ્યુક બોલથી રમાશે તે નિશ્ચિત છે. ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચમાં ડ્યુક બોલનો જ ઉપયોગ વધુ કરવામાં આવે છે. હવે જેની સાથે મેચ રમવાની હોય તેનાથી જ પ્રેક્ટિસ પણ કરાવવી જોઈએ. પરંતુ ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશન દરમિયાન રંગીન રબરના બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં પણ લાલ કે ગુલાબી રંગના બદલે લીલા અને પીળા રંગના રબરના બોલનો પ્રેક્ટિસમાં ઉપયોગ થતો જોવા મળ્યો હતો. WTC ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની ટ્રેનિંગ સેશનનો જે વીડિયો સામે આવ્યો છે એમાં ખેલાડીઓ અલગ જ પ્રકારના બોલથી પ્રેક્ટિસ કરતાં નજરે ચઢ્યા હતા, જે બાદ ફેન્સના મનમાં એ સવાલ ઊભો થયો છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં તો ડ્યુક બોલનો ઉપયોગ થવાનો છે, તો પછી ટીમ ઈન્ડિયા શા માટે અન્ય કોઈ બોલ સાથે પ્રેક્ટિસ કરી રહી છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન શુભમન ગિલ ગ્રીન બોલથી કેચ લેતો જોવા મળ્યો હતો. આ સિવાય પીળા રંગનો રબરનો બોલ પણ હતો.
NCA સાથે સંકળાયેલા એક ફિલ્ડિંગ કોચના જણાવ્યા અનુસાર, આ તે રબરના બોલથી સંપૂર્ણપણે અલગ છે જેનો ઉપયોગ આપણે ગલીઓમાં ક્રિકેટ રમતી વખતે કરીએ છીએ. ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં ઉપયોગમાં લેવાતા રંગીન રબરના બોલને ‘રિએક્શન બોલ’ કહેવામાં આવે છે, જેનો ઉપયોગ ફિલ્ડિંગ પ્રેક્ટિસ માટે થાય છે. જે દેશોમાં બોલ સ્વિંગ થાય છે અને બેટની ધાર લીધા પછી આગળ વધે છે, ત્યાં સ્લિપ કેચિંગની પ્રેક્ટિસ કરવા માટે રિએક્શન બોલનો ઉપયોગ થાય છે. ડ્યુક્સ બોલ પણ સ્વિંગ લે છે અને દિશા બદલી નાખે છે. તેથી જ લીલા-પીળા રબરના રિએક્શન બોલ સાથે પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે કારણ કે તેઓ વધુ સ્વિંગ લે છે અને મૂવ કરે છે. સ્લિપ કેચિંગની પ્રેક્ટિસ માટે ઉપયોગમાં લેવાતા રિએક્શન બોલ્સ હવામાં વધુ ફરે છે અને અચાનક દિશા બદલી નાખે છે કારણ કે તે વજનમાં હલકા હોય છે. પછી સ્લિપમાં ઊભેલા ફિલ્ડરે તેને કેચ કરવા માટે તે પ્રમાણે પોતાની જાતને મૂવ કરવી પડે છે. અલગ અલગ રંગના બોલનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી બોલની રેખા અનુસાર ખેલાડીની મુવમેન્ટ ચેક કરી શકાય છે.