પંકજા મુંડેની નારાજગી ઘણીવાર સામે આવી છે. ફરી એકવાર તેમનું એક નિવેદન ચર્ચામાં છે. પંકજા મુંડેએ અહિલ્યાદેવી હોલકરની જન્મજયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં આ પ્રકારનું નિવેદન આપ્યું છે, જેને ભાજપ માટે મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવી રહ્યું છે. પંકજા મુંડેએ કહ્યું કે, ‘હું ભાજપની છું પણ મારી પાર્ટી માત્ર મારી ન હોઈ શકે. તે એક મોટી પાર્ટી છે. જો પિતાનું ઘર પારકુ બનશે તો ભાઈ (એનસીપી ધારાસભ્ય ધનંજય મુંડે)નું ઘર તો છે જ. પંકજા મુંડેના નિવેદન પર સંજય રાઉતે પોતાની પ્રતિક્રિયા આપી છે. પંકજા મુંડેએ દિલ્હીમાં રાષ્ટ્રીય સમાજ પક્ષના નેતા અને પૂર્વ મંત્રી મહાદેવ જાનકર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. પંકજા મુંડેએ એમ પણ કહ્યું કે તે ડરતી નથી. ડર તેના લોહીમાં નથી. જો કંઈ નહીં મળે, તો તે શેરડી કાપવા ખેતરમાં જશે. હું હવે કંઈપણ ઝંખતી નથી કે અપેક્ષા રાખતી નથી.તેના જવાબમાં સંજય રાઉતે કહ્યું કે મુંડે પરિવારને રાજકારણમાં હાંસિયામાં ધકેલી દેવાના પ્રયાસો ચાલુ છે.
મુંડે પરિવારનું રાજકારણમાં અસ્તિત્વ ન રહે તે માટેના પ્રયાસો ચાલુ છે. જો આજે ગોપીનાથ મુંડે હોત તો બીજેપી અને શિવસેનાનું ગઠબંધન અલગ તાકાત સાથે આગળ વધી રહ્યું હોત. રાજ્યમાં બીજેપીને શૂન્યમાંથી ઉભી કરનાર નેતાનું નામ હતું ગોપીનાથ મુંડે. તેમના કારણે ભાજપના રાજ્યમાં સારા દિવસો આવ્યા. પંકજા મુંડે પરિણામોની પરવા કર્યા વિના ર્નિણય લે છે. ચૂંટણીમાં પંકજા મુંડેનો પરાજય કેવી રીતે થયો તે કહેવાની જરૂર નથી.જે કાર્યક્રમમાં પંકજા મુંડેની દિલ કી બાત બહાર આવી તેમાં મહાદેવ જાનકરે કહ્યું કે તેમની બહેનની પાર્ટીથી સમાજને કોઈ ફાયદો થશે નહીં. પંકજા મુંડે મુખ્યમંત્રી બનશે તો પણ બહુ ફાયદો નહીં થાય. કારણ કે રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં હશે. પરંતુ આ સમગ્ર મામલાને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું છે કે ભાજપ સંપૂર્ણપણે પંકજા મુંડેની સાથે છે.