યુ.પી.નાં બલિયામાં સોમવારે સવારે મોટી બોટ દુર્ઘટના ઘટી હતી. આ બોટ અકસ્માત ફેફના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ માલદેપુર ઘાટ પર થયો હતો. ઘટનામાં અત્યાર સુદીમાં ચાર લોકોના મોત થયા છે. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, જ્યારે આ બોટ દુર્ઘટના બની ત્યારે બોટમાં લગભગ ૪૦ લોકો સવાર હતા. આ અકસ્માતમાં ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.ગંગા નદીમાં માલ્દેપુર ઘાટથી જઈ રહેલી હોડી અધવચ્ચે પલટી ગઈ હતી. જેમાં ચાર લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. મૃત્યુ આંક વધી શકે છે. ઘટના બાદ ત્યાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ઘટના સ્થળ પર હાજર લોકોના કહેવા મુજબ હોડીમાં વધારે લોકો સવાર હતા. આ કારણે હોડી ઉંધી વળી ગઈ હતી. આ તમામ લોકો મુંડન સંસ્કારમાં સામેલ થવા જઈ રહ્યા હતા. હોડી પલટી ગયા બાદ કેટલાક લોકો જાતે તરીને બહાર આવ્યા હતા. હોડી પલટ્યા બાદ સ્થાનિકો આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.