કોઈ પણ રાજ્યના વિકાસના પાયામાં તેની સુરક્ષા અને સલામતી હોય છે, ગુજરાત રાજ્યની સુખ અને સમૃદ્ધિના મૂળમાં કાયદો અને વ્યવસ્થાના સખત અમલીકરણથી પ્રસ્થાપિત થયેલ શાંતિ અને સલામતી છે.
રાજ્યના આર્થિક પાટનગર સૂરત માં થયેલી રૂ. ૨૦ કરોડના હીરાની લૂંટનો ભેદ માત્ર ૬૦ કલાકના રેકોર્ડ સમયમાં ઉકેલીને પોલીસની અદ્વિતીય શક્તિનો પરિચય આપનારી સૂરત પોલિસ ટીમનું મુખ્યમંત્રીએ સૂરત ડાયમંડ એસોસિએશનના ઉપક્રમે ગઇ કાલે સન્માન કર્યુ હતું.
વિજયભાઇ રૂપાણીએ સુદ્રઢ કાયદો અને વ્યવસ્થાને કારણે રોજગારી અને વ્યવસાયીક રોકાણનું પ્રમાણ વધે છે તેમ ગુજરાત પોલીસની સજ્જતાને બિરદાવતા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સી.સી.ટી.વી. કેમેરા જેવી આધુનિક ટેકનોલોજીની મદદથી ગુનેગારોને દબોચી લેવામાં સફળતા સાંપડી છે, ત્યારે રાજ્ય સરકાર રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૬ યાત્રાધામોને રૂ.૩૨૫ કરોડના ખર્ચે સી.સી.ટી.વી. નેટવર્કથી સુસજ્જ કરશે.’
તાજેતરમાં સૂરતમાં રૂ.૨૦ કરોડના હિરાની લૂંટનો ભેદ ઉકેલનારા જાંબાઝ પોલિસકર્મીઓ-અધિકારીઓનું જાહેર અભિવાદન કરવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જાંબાઝ પોલિસ જવાનોનો જુસ્સો વધારતા પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્યની છાપ એક શાંતિપ્રિય રાજ્ય તરીકે પ્રખ્યાત છે.
રાજ્યની શાંતિ, સુખાકારી અને સલામતીની જવાબદારી નિભાવતા પોલિસતંત્રમાં આ સરકારે મોટા પાયે ભરતી કરી છે. સાયબર ક્રાઈમમાં થઇ રહેલા ઉત્તરોત્તર વધારાને કારણે પોલિસતંત્રને ડિજીટલ બનાવવા પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
પાછલા થોડા સમયમાં જૂનાગઢ, કડી, સૂરત, અમદાવાદ વગેરે શહેરોમાં થયેલા ચોરી, લૂંટ, હત્યાના કેસોને ગણતરીના કલાકોમાં ઉકેલીને ગુજરાત પોલિસે ગુનેગારોમાં ધાક બેસાડી છે. પરિણામે ગુનેગારોમાં પોલિસનો ફફડાટ ફેલાયો છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ સ્વાસ્થ્ય, શિક્ષણ તથા સેવાકીય ક્ષેત્રે આગવું પ્રદાન કરતા સૂરત ડાયમંડ એસોસિએશન અને સૂરત પોલિસની સમગ્ર ટીમને અભિનંદન આપી ઉત્તમ કામગીરી બદલ બિરદાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગત ૧૪ માર્ચના રોજ સૂરત કતારગામ વિસ્તારમાં પાંચ લૂંટારૃઓએ ગ્લોસ્ટાર ડાયમંડ કંપનીના કર્મચારી ઉપર હુમલો કરી અંદાજીત રૂ.૨૦ કરોડના હીરાની લૂંટ કરી હતી, જેનો સૂરત ની બાહોશ પોલિસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાંખીને લૂંટમાં સંકળાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. ઉપરાંત ગત ૨૬ માર્ચે પણ સૂરત ક્રાઇમ બ્રાંચે ઉત્તરપ્રદેશના મેરઠ અને મુઝફ્ફરપુર જિલ્લામાંથી વધુ છ લૂંટારૂની ધરપકડ કરી હતી. જેના પગલે સમગ્ર ગુજરાતમાં સૂરત પોલિસની વાહવાહી થઇ હતી.
પોલિસની ઉત્તમ કામગીરીની નોંધ લેતા ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ કેસ સાથે સંકળાયેલા પોલિસકર્મીઓ અધિકારીઓને રૂ.૧૦ લાખના ઇનામની પ્રોત્સાહક જાહેરાત કરી હતી.