‘ધ કેરાલા સ્ટોરી’ના નિર્માતાઓ પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જવા માટે તૈયાર છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ સોમવારે રાજ્યમાં વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ના સ્ક્રીનિંગ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે, જેથી ‘નફરત અને હિંસાની કોઈપણ ઘટના’ ટાળી શકાય. આ સાથે પશ્ચિમ બંગાળ ફિલ્મ પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય બન્યું છે. આ પછી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, આવી કાર્યવાહી તેમની સમજની બહાર છે. શું તૃણમૂલ કોંગ્રેસના વડાની સહાનુભૂતિ આતંકવાદી સંગઠનો સાથે છે અને કેરળની નિર્દોષ છોકરીઓ સાથે નથી? ઠાકુરે આ ફિલ્મ દિલ્હીના એક સિનેમા હોલમાં પણ જોઈ હતી. ફિલ્મના નિર્માતા વિપુલ શાહે કહ્યું કે, તેઓ ટીએમસી સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ સામે કાયદાકીય કાર્યવાહી કરશે. તે જ સમયે, પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું કે, ‘નફરત અને હિંસાની કોઈપણ ઘટનાને ટાળવા અને રાજ્યમાં શાંતિ જાળવવા માટે, મુખ્યમંત્રીએ ‘ધ કેરાલા સ્ટોરી’ ના પ્રદર્શન પર તાત્કાલિક પ્રતિબંધનો નિર્દેશ કર્યો છે. પ્રતિબંધનો ભંગ કરનાર કોઈપણ સિનેમા હોલ સામે કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સમાજના એક વર્ગને અપમાનિત કરવા માટે બનાવવામાં આવી હતી. જ્યારે ‘ધ કેરાલા સ્ટોરી’ એક વિકૃત ફિલ્મ છે, જેનો ઉદ્દેશ્ય દક્ષિણના રાજ્યને બદનામ કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે, ‘ધ કેરળ સ્ટોરી’માં ત્રણ મહિલાઓની દુર્ઘટના બતાવવામાં આવી છે. જેમને લગ્ન બાદ ઈસ્લામ કબૂલ કર્યા બાદ માનવ તસ્કરી દ્વારા ISISના કેમ્પમાં લઈ જવામાં આવે છે. ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની મુખ્ય ભૂમિકામાં છે. અગાઉ, ફિલ્મના ટ્રેલરમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કેરળમાંથી ૩૨,૦૦૦ મહિલાઓ ગુમ થઈ ગઈ હતી અને આતંકવાદી જૂથ ISISમાં જોડાઈ હતી. આ પછી ફિલ્મને લઈને મોટો વિવાદ ઊભો થયો હતો. જોકે, વિરોધ બાદ વિવાદાસ્પદ ટ્રેલર પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. આ પછી ટ્રેલર કેરળની ત્રણ મહિલાઓની વાર્તામાં બદલાઈ ગયું.