હાલ ગુજરાતમાં સુખી સંપન્ન પાટીદાર સમાજ લગ્ન માટે કન્યાની અછતનો સામનો કરી રહ્યો છે. કોઈ કન્યા આપો કન્યા… એવી રીતે વરમાળા લઈને શોધવા જવુ પડી રહ્યું છે. આવામાં માંડ લગ્ન થાય ત્યાં ડિવોર્સની લટકતી તલવાર આવે છે. આજના સમાજમાં ડિવોર્સના કિસ્સા પણ વધી રહ્યાં છે. ત્યારે લગ્ન જીવનમાં આગળ જઈને કોઈ પ્રકારની તકલીફ ન આવે તે માટે સૌરાષ્ટ્ર લેઉઆ પાટીદાર યુવા સમાજે અનોખી પહેલ કરી છે. જેમાં પહેલીવાર યુવક-યુવતીઓની કુંડળી નહિ, પરંતું ફિંગર પ્રિન્ટ ટેસ્ટ કરાવાશે. ૧૦ આંગળીના ફિંગર પ્રિન્ટ ટેસ્ટનું પરીક્ષણ તાઈવાનમાં કરાવાશે. જેનો રિપોર્ટ પણ આપવામા આવશે. સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ યુવા સમાજ અને વર્ષા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નવ મહિના પછી રાજકોટમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ૨૧ યુવક-યુવતી સપ્તપદીના સાત ફેરા લેશે. પરંતુ આ માટે સમાજ દ્વારા એક યુનિક પહેલ કરવામાં આવી છે. જેમાં જે યુવક-યુવતી લગ્ન તાંતણે બંધાશે, તેમના ડીએમઆઈ (ડર્મેટોગ્લેફિકસ મલ્ટિપલ ઈન્ટેલિજન્સ ) ટેસ્ટ કરાશે. તાઈવાનથી જે ૪૬ પાનાનો રિપોર્ટ આવશે, તેને યુગલોને સોંપાશે.
આ પહેલ વિશે આયોજક વિનોદ દેસાઈએ જણાવ્યું કે, આજે સમાજના આગેવાનો પાસે પરિવારની સમસ્યા આવવાનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં ૭૦ ટકાથી વધુ પારિવારિક બાબતો હોય છે. આઠ-દસ વર્ષના લગ્ન જીવન પછી પણ છૂટાછેડાના બનાવોનો ગ્રાફ સતત વધી રહ્યો છે. તેની સમાજ પર ગંભીર અસર પડે છે. સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ રીતે સમૂહલગ્ન કરવાનો ર્નિણય લીધો છે. સમૂહલગ્નમાં જે યુવતીના લગ્ન કરાશે તે તમામ યુવતીને દત્તક લેવાશે. ભવિષ્યમાં જો કોઈ તેને આર્થિક-સામાજિક, મુશ્કેલી આવી પડે તો આયોજક તેના માતા-પિતા તરીકેની જવાબદારી નિભાવશે. જેથી તેમના પરિવારોમાં કોઈ અડચણ ન આવે. દીકરી ગર્ભવતી થશે ત્યારે તેને ગર્ભસંસ્કાર પણ અપાશે.