આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે મારા કાર્યકાળ દરમિયાન મેં સરકારને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે નોટબંધી એક સારો વિચાર નથી.
આ ઉપરાંત રાજને જણાવ્યું હતું કે ૮૭.૫ ટકા ચલણી નોટો રદ કરવામાં આવી હોવાથી નોટબંધીનો વધુ સારી રીતે આયોજન કરવાની જરૂર હતી. ઉલ્લેખનીય છે કે આઠ નવેમ્બર, ૨૦૧૬ના રોજ રિઝર્વ બેંક એાફ ઇન્ડિયાએ કાળું નાણું શોધી કાઢવા માટે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો રદ કરી હતી.
કેમ્બ્રિજમાં પ્રતિષ્ઠિત હાર્વડ કેનેડી સ્કૂલમાં ભાષણ આપતા ૫૫ વર્ષીય રાજને નોટબંધી અગાઉ આરબીઆઇ સાથે ચર્ચા કરવામાં ન આવી હોવાનો દાવાને ફગાવી દીધો હતો. રાજને જણાવ્યું હતું કે મેં ક્યારેય કહ્યું નથી કે નોટબંધી અગાઉ મારી સલાહ લેવામાં આવી ન હતી. મે અનેક વખત જણાવ્યું છે કે નોટબંધી અગાઉ મારી સાથે ચર્ચા કરવામાં આવી હતી અને મેં જણાવ્યું હતું કે નોટબંધી સારો વિચાર નથી.
રાજને જણાવ્યું હતું કે જ્યારે તમે દેશની ૮૭.૫ ટકા ચલણી નોટો રદ કરવા માગતા હોવ તો તમારી પાસે આટલી જ સંખ્યામાં નવી ચલણી નોટો છપાયેલી હોવી જોઇએ. ભારતમાં પૂરતી તૈયારી વગર નોટબંધીની જાહેરાત કરી દેવામાં આવી હતી. નોટબંધીને કારણે જીડીપીના ૧.૫ ટકાથી બે ટકા નુકસાન થયું છે.