પશ્ચિમ બંગાળના ઉત્તરી દિનાજપુર જિલ્લામાં એક બાળકીના મોત બાદ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ મંગળવારે કાલિયાગંજ પોલીસ સ્ટેશનમાં આગ લગાવી દીધી. પાછલા સપ્તાહે એક સગીર બાળકીની સાથે કથિત બળાત્કાર અને હત્યા વિરુદ્ધ સ્થાનીક લોકોના હિંસક વિરોધ પ્રદર્શન બાદ કાલિયાગંજના કેટલાક ભાગમાં સ્થિતિ ખુબ તણાવપૂર્ણ થઈ ગઈ છે. ગુસ્સે થયેલા ટોળાએ પોલીસ સ્ટેશનમાં આગ લગાવ્યા બાદ પોલીસની કેટલીક ગાડીઓને પણ આગને હવાલે કરી દીધી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર આ ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓને પણ ઈજા થઈ છે. પાછલા સપ્તાહે સગીર બાળકી સાથે કથિત બળાત્કાર અને હત્યા બાદથી આ વિસ્તારમાં તણાવનો માહોલ હતો, જે મંગળવારે ફુટ્યો હતો. એક સ્થાનીક દબાવ સમૂહે મંગળવારે કાલિયાગંજ વિસ્તારની સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. સ્થાનીક સમૂહે પહેલા જ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી દીધી હતી, ત્યારબાદ પોલીસ સ્ટેશનની સામે ત્રણ સ્તરીય બેરિકેટ લગાવ્યા હતા.
જિલ્લા પોલીસ અધિકારીઓએ દાવો કર્યો છે કે શરૂઆતમાં વિરોધ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો હતો, પરંતુ તે દરમિયાન કેટલાક દેખાવકારોએ પોલીસ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો, જે પછી સ્થિતિ હિંસક બની હતી. આ પછી, પરિસ્થિતિને કાબૂમાં લાવવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના સેલ છોડ્યા. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓ કથિત રીતે બેરિકેડ ઓળંગીને પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. આ સાથે તેઓએ પોલીસ સ્ટેશનને પણ આગ ચાંપી હતી અને પોલીસના કેટલાક વાહનોને પણ આગ ચાંપી દીધી હતી.