ઉત્તર પ્રદેશમાં અતીક અને અશરફની હત્યા બાદ યોગી આદિત્યનાથનું પ્રથમ નિવેદન સામે આવ્યુ છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, યુપીમાં હવે કાયદાનું રાજ છે. કોઈ પણ માફિયા કોઈને ડરાવી ન શકે. આ સાથે જ તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે, યુપીમાં હવે રમખાણો નથી થતા. યોગી આદિત્યનાથનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કરવામાં આવી હતી અને તેના પુત્ર અસદને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો. લખનૌમાં આયોજિત એક કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટેક્સટાઈલ પાર્ક ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ૨૦૧૭ પહેલા ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ હતી અને રાજ્ય રમખાણો માટે કુખ્યાત હતું. પહેલા રાજ્યની અસ્મિતા પર સંકટ હતું પરંતુ આજે રાજ્ય માફિયાઓ માટે સંકટ બની રહ્યું છે. હવે કોઈ વ્યાવસાયિક અપરાધી અને માફિયા કોઈપણ ઉદ્યોગસાહસિકોને ડરાવી નહીં શકશે. ઉત્તર પ્રદેશ તમને આજે શ્રેષ્ઠ કાયદો અને વ્યવસ્થાની ખાતરી આપે છે.