‘શ્રીદેવી’ આ માત્ર નામ નથી, પરંતુ લાખો કરોડો ભારતીયોના દિલોની ધડકન છે. આજે ભલે તે આપણી વચ્ચે ન હોય પરંતુ તેના ફેન્સ આજે પણ તેની અદાઓ પર દિલ લૂંટાવે છે. તે વાતમાં કોઇ શંકા નથી કે, શ્રીદેવીએ પોતાના જીવનમાં ફેમ અને પૈસા પોતાના દમ પર હાંસલ કર્યા હતા. પોતાની માસૂમિયત અને સુંદરતાથી ફેન્સના દિલો પર દાયકાઓ સુધી રાજ કર્યુ હતું. બોલિવૂડના દરેક ફિલ્મ ડાયરેક્ટર શ્રીદેવીને પોતાની ફિલ્મમાં લેવા પડાપડી કરતા હતા. આ જ સમયમાં એક્ટિંગના શહેનશાહ અમિતાભ બચ્ચનનું કરિયર પણ નવી બુલંદી પર પહોંચી રહ્યું હતું.
અમિતાભ ફિલ્મમાં હાજરીનો અર્થ હતો ફિલ્મ હિટ. અમિતાભ બચ્ચન અને શ્રીદેવીએ આમ તો ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પરંતુ ૧૯૮૬ બાદ આ જોડી દર્શકોને એકસાથે પડદા પર ક્યારેય જોવા ન મળી. કારણ કે શ્રીદેવીએ અમિતાભ સાથે કામ ન કરવાની જાહેરાત કરી દીધી હતી. જોકે, તેઓ ખુદા ગવા ફિલ્મમાં ફરી સાથે જોવા મળ્યા હતા. ચાલો જાણીએ તે રસપ્રદ કિસ્સા અંગે. પ્રોડ્યૂસર મનોજ દેસાઇ પોતાની નવી ફિલ્મ ’ખુદા ગવાહ’ માટે હિરોઇન શોધી રહ્યા હતા. તેઓ તેના રોલમાં એકદમ ફિટ બેસે તેવી અભિનેત્રીની શોધમાં હતા. તેમની ડિમાન્ડ હતી કે હિરોઇન એકદમ ડેશિંગ અને ચુસ્ત હોવી જોઇએ.
હિરોઈનને અમિતાભ સાથે કાસ્ટ કરવામાં આવનાર હતી. આ દરમિયાન ફિલ્મફેર મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં મનોજ દેસાઇએ જણાવ્યું કે, આ ફિલ્મમાં ફરાહ સિવાય ડિમ્પલ પણ ડબલ રોલમાં હતી. પરંતુ ડિમ્પલ સાથે ફીને લઇને વાત ન બની, કારણ કે તેની કિંમત રોજ સવારે એક લાખ અને રોજ સાંજે એક લાખ વધી રહી હતી. હવે આ જ વાતથી ફિલ્મના નિર્દેશકો મુંઝવણમાં મૂકાયા હતા. ફી બાબતે ડિમ્પલના આવા નખરાઓથી કંટાળી ગયેલા ફિલ્મના નિર્દેશક મુકુલ આનંદ અને મનોજ દેસાઇએ આ રોલ શ્રીદેવીને ઓફર કરવાનો ર્નિણય કર્યો હતો. પરંતુ સમસ્યા ત્યાં ઊભી થઇ કે શ્રીદેવીએ આ પહેલા જ પ્રેસ સામે મોટું નિવેદન આપ્યું હતું કે, અમિતાભની હિરોઇન એક્સ્ટ્રાથી વધારે કંઇ નથી હોતી અને તેથી તે તેમની સાથે કામ નહીં કરે. મનોજે જણાવ્યું કે, શ્રીદેવીના આ નિવેદન બાદ હિંમત કરીને સાંઈબાબાનું નામ લઇને હું શ્રીદેવી પાસે ગયો. જોકે, ઓફર સાંભળીને તેણે પહેલા તો આ ફિલ્મમાં કામ કરવાની સાફ ના પાડી હતી. પરંતુ જ્યારે મેં તેને આખી સ્ક્રિપ્ટ આપી અને તેણે તેને વાંચી કે તરત જ તેણે આ ફિલ્મમાં કામ કરવા માટે હાં કહી દીધી હતી. મનોજે આગળ જણાવ્યું કે, શ્રીદેવી અને અમિતાભ વચ્ચે કોઇ પર્સનલ દુશ્મની નહોતી. ફિલ્મમાં શ્રીદેવીને ડબલ રોલ કરવાના હતા.
અહીં ઉલ્લેખનીય છે કે, ૧૯૮૬માં આવેલી ફિલ્મ ‘આખરી રાસ્તા’ બાદ શ્રીદેવીએ અમિતાભ સાથે કોઇ પ્રોજેક્ટમાં કામ ન કરવાની જાહેરાત કરી હતી. જે બાદ તે ‘ખુદા ગવાહ’માં ફરી અમિતાભ સાથે સ્ક્રિન શેર કરતી નજરે પડી. તે જમાનામાં આશરે ૧૭ કરોડના ખર્ચમાં બનેલી ફિલ્મ ‘ખુદા ગવાહ’ ૧૯૯૨ની ત્રીજી સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ બની હતી.