ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના સત્તાવાર દસ્તાવેજો અને જાહેરાતોમાં ‘અહેમદાબાદ’ નામની જગ્યાએ ‘અમદાવાદ’ નામનો ઉપયોગ શા માટે કરી રહી છે તે અંગેની જાહેર હિતની રિટ કરવામાં આવી હતી. કોર્ટે હાલ આ પ્રકારના નામકરણ વિશેની બાબતો ક્યો વિભાગ સંભાળે છે તે વિશે પૃચ્છા કરી છે.
અમદાવાદના સુન્ની આવામ બોર્ડે આજે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી ક અહેમદશાહે ઈ.સ. ૧૪૧૧માં અમદાવાદ શહેરની સ્થાપના કરી જેને તેના નામ પરથી ‘અહેમદાબાદ’ નામ આપવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર પણ તેના દસ્તાવેજો અને રેકોર્ડમાં આ શહેરને ‘અહેમદાબાદ’ નામથી જ ઓળખે છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેની સત્તવાર દસ્તાવેજો, લેટરહેડ, જાહેરાતો અને ઠરાવોમાં ‘અમદાવાદ’ શબ્દનો જ ઉપયોગ કરી રહી છે, જે આ શહેરના વારસાનો અનાદર છે.
અરજદારે આરટીઆઈ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી માહિતી માગી હતી કે શું કોઈ ઠરાવ દ્વારા ‘અહેમદાબાદ’નું નામ બદલીને ‘અમદાવાદ’ કરવામાં આવ્યું છે? જેના જવાબમાં એમ જણાવવામાં આવ્યું હતું કે ‘અહેમદાબાદ’ને ‘અમદાવાદ’ની ઓળખ આપવા માટે કોઈ સરકારી ઠરાવ કે પ્રક્રિયા નથી કરવામાં આવી. યુનેસ્કોએ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરૃદ આપ્યું છે અને યુનેસ્કોના તમામ દસ્તાવેજો અને રેકોર્ડ પર પણ અમદાવાદને ‘અહેમદાબાદ’ તરીકે ઓળખવામાં આવે છે. અરજદારની માગણી હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે તેમના લેટરહેડ, દસ્તાવેજો, ઠરાવો અને જાહેરાતોમાં ‘અમદાવાદ’ની જગ્યાએ ‘અહેમદાબાદ’ નામનો ઉપયોગ કરવો જોઈએ.