વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. યુએસ સ્થિત કન્સલ્ટિંગ ફર્મ ‘મોર્નિંગ કન્સલ્ટ’ દ્વારા બહાર પાડવામાં આવેલી વૈશ્વિક નેતાઓની અપ્રૂવલ યાદીમાં પીએમ મોદી ૭૫ ટકાના સર્વોચ્ચ અપ્રૂવલ રેટિંગ સાથે લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર છે. આ સર્વેમાં વિશ્વભરના ૨૨ નેતાઓના એપ્રુવલ રેટિંગનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદીની લોકપ્રિયતા સામે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાકના રેટિંગ ખૂબ નબળા હતા.
૩૦ માર્ચ, ૨૦૨૩ સુધી વૈશ્વિક નેતાઓના એપ્રુવલ રેટિંગ મુજબ, પીએમ મોદી પછી, મેક્સિકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરનું નામ આ યાદીમાં આવે છે. જેમણે ૬૧ ટકા રેટિંગ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બાનીઝ ૫૫ ટકાના રેટિંગ સાથે ત્રીજા ક્રમે આવ્યા છે. જ્યારે સ્વિટ્ઝર્લેન્ડના રાજ્યના વડા, એલેન બર્સેટને ૫૩ ટકાની મંજૂરી રેટિંગ મળ્યું હતું. આ પછી અન્ય તમામ રાજ્યના વડાઓનું રેટિંગ ૫૦ ટકાથી ઓછું રહ્યું. આમાં યુએસ પ્રમુખ જો બાઇડન માત્ર ૪૧ ટકાના એપ્રુવલ રેટિંગ સાથે છઠ્ઠા ક્રમે છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો ૩૯ ટકાના એપ્રુવલ રેટિંગ સાથે સાતમા ક્રમે છે, જ્યારે યુકેના પીએમ ઋષિ સુનક ૩૪ ટકાના એપ્રુવલ રેટિંગ સાથે ૧૦માં ક્રમે છે. મોર્નિંગ કન્સલ્ટ વેબસાઈટે રવિવાર, ૨ એપ્રિલના રોજ આ રેટિંગ્સ બહાર પાડતા જણાવ્યું હતું કે, આ લેટેસ્ટ એપ્રુવલ રેટિંગ ૨૨-૨૮ માર્ચ, ૨૦૨૩ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે. મોર્નિંગ કન્સલ્ટ મુજબ, તે દરરોજ વિશ્વભરમાં ૨૦,૦૦૦ લોકોનું ઓનલાઈન ઈન્ટરવ્યુ લે છે.