મુંબઈમાં શુક્રવારે ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દેશ-વિદેશના કલાકાર, ધર્મગુરુ, ખેલ અને વેપાર જગતના પ્રખ્યાત લોકો હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહની મેજબાની રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી અને તેમની દીકરી ઇશા અંબાણીએ આપી હતી. નીતા અંબાણીએ આ અવસરે એક સ્પીચ આપી હતી. આ સ્પીચમાં ભારતની સભ્યતા, વિવિધતા અને સંસ્કૃતિ પર આધારિ કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો સામેલ હતી. આ સેન્ટરને વિશ્વભરમાંથી મળેલા સપોર્ટથી અભિભૂત નીતા અંબાણીએ કાર્યક્રમમાં હાજર તમામ અતિથિઓનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ તેમના માટે ખૂબ જ ખુશી અને સન્માનની વાત છે.
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું નિર્માણ બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષમાાં આવેલા જિયો વર્લ્ડ ગાર્ડન્સમાં કરવામાં આવ્યું છે. નીતા અંબાણીએ તેમની સ્પીચમાં કહ્યું હતું કે, ‘અમારી સંસ્કૃતિ હજારો વર્ષોથી માત્ર જળવાઈ નથી, સારી રીતે આગળ વધી છે. આપણે સૌથી જૂની સભ્યતાઓમાંથી એક છીએ, કે જે પરિપૂર્ણ છે. મુકેશ (અંબાણી) અને મારા માટે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એક સપનું સાકાર થયા બરાબર છે.
ઘણાં સમય પહેલાં અમે આ સપનું જોયું હતું કે, ભારત એક વિશ્વ સ્તરીય સાંસ્કૃતિક કેન્દ્ર હોવું જોઈએ. સિનેમા અને સંગીત, નૃત્ય અને નાટક, સાહિત્ય અને લોકકથાઓ, કલા અને શિલ્પ, વિજ્ઞાન અને આધ્યત્મ.. આ બધું ભારતની અમૂર્ત રાષ્ટ્રીય સંપત્તિ છે. આર્ટ અને કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે અમે ઘણાં લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા.’ તેમણે આગળ કહ્યું કે, ‘સંસ્કૃતિ આપણી સમજ, સહિષ્ણુતા અને સન્માનના દોરા વડે જોડાય છે. તે સમુદાય અને દેશને એકબીજા સાથે જોડી રાખે છે. સંસ્કૃતિ માનવતા માટે આશા અને ખુશી લાવે છે. એક કલાકર તરીકે હું આશા રાખું છું કે, આ કેન્દ્ર કલા, કલાકારો અને દર્શકો માટે મહત્ત્વપૂર્ણ સ્થાન સાબિત થાય. આ એક એવું કેન્દ્ર છે કે જ્યાં કલાકાર તેમના પર ગર્વ અનુભવી શકે. અમે આ કેન્દ્ર ને માત્ર મોટા શહેરો જ નહીં, પરંતુ દેશના નાના શહેરો, કબીલાઓ અને દૂરદૂરના ગામડાંઓમાંથી પણ સારી પ્રતિભાઓનું ઘર બને તેવી કલ્પના કરીએ છીએ. જ્યાં સુધી અમારી પાસે મંચ છે, અમારો અવાજ છે, ત્યાં સુધી અમારી પાસે વાત કહેવા અને દુનિયા બદલવાની તાકાત છે. અમે ઇચ્છીએ છીએ કે, આ એક એવું કેન્દ્ર બને કે જે કલા, સંસ્કૃતિ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ હોય.’ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સને કહ્યું કે, ‘જ્યારે આજે મેં આ ગ્રાન્ડ થિયેટર મંચ પર પ્રદર્શન કર્યુ તો મેં મારામાં ઘણો ઉત્સાહ જોયો. આટલા દાયકાઓ સુધી મંચથી દૂર રહ્યા બાદ પણ હું આજે તે ઉર્જા અનુભવી શકું છું કે જે હું ત્યારે અનુભવતી હતી જ્યારે ૬ વર્ષની હતી. કોલેજમાં મારા પહેલા નાટક ફિરોઝ નામના એક યુવા પ્રતિભાશાળી અભિનેતા સાથે હતું. એવું કહેવાય છે કે, જીવન એક પૂર્ણ ચક્ર છે… હું મારા દોસ્ત ફિરોઝને આજે અહીં મારી સાથે નાટ્યશાળાના પહેલા નિર્દેશક સ્વરૂપે મળ્યો તે બદલ હું ખૂબ ખુશ છું.’ નીતા અંબાણીએ આગળ કહ્યું કે, ‘મારા પ્રિય દોસ્તો, પૂરું કરતાં પહેલાં… મારા પરિવારે મારા પર વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું તેમનો આભાર માનવા માંગુ છું. ખાસ કરીને, સસરા શ્રી ધીરુભાઈ અંબાણીને યાદ કરવા માગીશ કે જે મહિલા સશક્તિકરણમાં વિશ્વાસ કરતા હતા અને તેમણે મને ખૂબ મોટા વિચારો માટે પ્રોત્સાહિત કરી હતી. પિતા શ્રી રવિન્દ્રભાઈની સજ્જનતા અને કરૂણા મારું માર્ગદર્શન કરે છે. હું મારી મમ્મીનો આભાર માનીશ કે આજે તે દર્શકોમાં સામેલ છે. તેમનો પ્રેમ, સકારાત્મકતા, આધ્યાત્મિકતા અને સખત મહેનતે મને આજે હું જે છું, તે બનવામાં ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. મારી સાસુ સતત મારા માટે પ્રેરણારૂપ છે અને તેઓ પણ અહીં હાજર છે.’ મારા છ સંતાન ઇશા, આનંદ, શ્લોકા, આકાશ, રાધિકા અને અનંતનો પ્રેમ, સમર્થન અને ઉત્સાહ મારી તાકાત છે. મારા બે અનમોલ રતન પૌત્ર – પૃથ્વી, આદ્યાશક્તિ અને કૃષ્ણા મારા જીવનની સૌથી મોટી ખુશી છે.
છેલ્લે, હું મારા પતિ મુકેશ (અંબાણી)નો આભાર માનવા માગુ છું કે જેમણે મારા દરેક સપના પર વિશ્વાસ કર્યો છે, તેમના વગર કશું જ શક્ય ના હોત. જિંદગીના સફરને આટલી સુંદર બનાવવા માટે આભાર. સૌથી ખાસ વાત તો એ છે કે, આપણી પાસે સૌથી વધુ યુવાનો છે. આજે આપણે આધુનિક ભારતના અમૃત કાળમાં છીએ. સમૃદ્ધ, મજબૂત અને આત્મવિશ્વાસી રાષ્ટ્ર બનાવવા માટે એક નવો અધ્યાય શરૂ કરવાનો ગૌરવશાળી સમય છે.’