નર્મદા ડેમ સાઇટપર પર્યાવરણની જાળવણી, જીવજંતુઓ, માછલીઓના જતન તેમજ બારેમાસ નદીમાં પાણી રહે તે માટે વધારાનું ૧પ૦૦ કયુસેક પાણી કાયમી ધોરણે ફાળવવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરીટી પાસે માંગણી કરાઇ છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, ભરૂચથી દરિયા કિનારા સુધીના વિસ્તાર સુધી પાણી રહે તે માટે ૬૦૦ કયુસેક પાણી તો આપવામાં આવે જ છે, પરંતુ ભવિષ્યમાં કાયમી ધોરણે ૧પ૦૦ કયુસેક પાણી ગુજરાતને ફાળવવા માટે માંગણી કરી છે. ગુજરાતના ભાગમાંથી જે પાણી ફાળવાય છે તે નહીં ગણવાને બદલે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ચારેય રાજયોનો જે સામૂહિક હિસ્સો છે, તેમાંથી પાણી આપવા માટે માંગણી કરાઇ છે.
તેમણે કહયું કે, આ વધારાનું ૧પ૦૦ કયુસેક પાણી ગુજરાતને ફાળવવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરીટી ભાગીદાર રાજયોના અભિપ્રાય બાદ નિર્ણય લેશે. આ વધારાનું પાણી અત્યારે ગુજરાત દ્વારા મંગાવવામાં આવ્યું છે તે અત્યારની પરિસ્થિતિમાં સંભવિત અછતની સ્થિતિ માટે કંઇ લેવા દેવા નથી. બંધ ભરેલો હોય તો પણ નદીમાં કાયમી ધોરણે પાણી રહે તે માટે આ વધારાની માંગણી કરાઇ છે.