- કોઇપણ તબીબોના પ્રમોશનને અસર થાય તે પ્રમાણે વય નિવૃત્તિ બાદ નિમણૂંક અપાશે નહીં
રાજયના દરેક નાગરિકોને ઘર આંગણે જ પ્રાથમિક સારવાર અવિરત પણે મળવાની ચાલુ રહે અને આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ થાય તે માટે રાજય સરકારે આરોગ્ય લક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં તબીબી સેવા, જાહેર આરોગ્ય અને તબીબી શિક્ષણ હેઠળ સેવા આપતા તબીબી શિક્ષકો અને તબીબોને ૬૨ વર્ષની વય નિવૃત્તિ બાદ વધુ ત્રણ વર્ષ સુધી નિમણૂંકો આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં એમ.બી.બી.એસ. તથા પોસ્ટ ગ્રેજયુએટ (એલોપેથીક) તબીબોને નિમણૂંકો અપાશે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે.
સમગ્ર દેશ અને રાજયમાં સરકારી સેવાઓમાં ર્ડાકટરોની અછત પ્રવર્તે છે અને ગુજરાત જેવા રાજયમાં મોટાભાગના ર્ડાકટરો ખાનગી પ્રેકટીસમાં જોડાઇ જાય છે તેથી સરકારી સેવા માટે પુરતા ર્ડાકટરો ઉપલબ્ધ થતા નથી. આવા સંજોગોમાં ર્ડાકટરોની ઉપલબ્ધી વધારવા માટે અત્યારે ડોક્ટરોની વય નિવૃત્તિ વય જે ૬૨ વર્ષ ની છે તેમાં નિવૃત્ત થયા બાદ ડોકટરોને વધુ ત્રણ વર્ષ સુધી સરકારી હોસ્પિટલોમાં કામગીરી માટે તેમજ મેડીકલ કોલેજોમાં શિક્ષણ માટે સેવામાં ચાલુ રહે તેવી નીતિ રાજય સરકારે નકકી કરી છે. તે મુજબ હવે ૬૨ વર્ષની વય નિવૃત્તિ બાદ નિવૃત્ત પામેલા ર્ડાકટરોને વધુ ત્રણ વર્ષ સુધી પે-માઇનસ પેન્શનની આકર્ષક પગાર યોજના મુજબ નિમણૂંક અપાશે. જેથી દર વર્ષે સેકડોની સંખ્યામાં જે ર્ડાકટરો નિવૃત્ત થાય છે તેઓ પણ સરકારી સેવામાં કાર્યરત રહી શકશે. જેનો સીધો લાભ હોસ્પિટલોમાં વધુ ડોકટરો મળતા દર્દીની સેવામાં ઉપયોગી નિવડશે, તેમ નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
તેમણે ઉમેર્યુ કે, રાજયના નાગરિકોને વધુ સુદૃઢ આરોગ્ય-સેવાઓ અને સવલતો પુરી પાડવા અને અનુભવી તબીબોની તજજ્ઞતા તેમજ કૌશલ્યનો લાભ, જાહેર જનતાને લાંબા સમય સુધી મળતો રહે, તે માટે લેવાયેલ મહત્વના નિર્ણયથી રાજયના નાગરિકોને વધુ સઘન સારવાર, રાજયના પી.એચ.સી., સી.એચ.સી., તાલુકા તથા જિલ્લા કક્ષા સહિતની વિવિધ અન્ય હોસ્પિટલો ખાતે ઉપલબ્ધ બનશે. સાથોસાથ, રાજયની મેડીકલ કોલેજો ખાતે પણ અનુભવી તબીબી શિક્ષકોની સેવાઓ વધુ સમય સુધી મળી શકશે અને તે માટે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ વર્ગ-૧ અને વર્ગ-રના તબીબી શિક્ષકો અને તબીબોને વય નિવૃત્તિ બાદ નિમણૂંક અપાશે. પુનઃ નિમણૂંકનો સમયગાળોનો પ્રથમ તબકકો ૧૨ માસનો રહેશે. પરંતુ, પુનઃ નિમણૂંક આપ્યા બાદ, રાજય સરકારને સીધી ભરતીથી કે બઢતીથી નિયમિત તબીબો ઉપલબ્ધ થતા, પુન: નિમણૂંક પામેલ ર્ડાકરર્સ/તબીબી શિક્ષકોને છુટા કરાશે. વય નિવૃત્તિ બાદ પુનઃ નિમણૂંક પામતા તબીબી શિક્ષકો/ તબીબોને નિવૃત્તિ સમયે મળતા પગારને ધ્યાને લઇ પે-માઇનસ પેન્શનના ધોરણે થતી રકમ મળવાપાત્ર રહેશે.
તેમણે ઉમેર્યુ કે, આ નિમણૂંક પર નિયત કરેલ વેતન પર કોઇપણ જાતના બીજા ભથ્થા મળવાપાત્ર થશે નહીં. તેમજ પુનઃ નિમણૂંક દરમ્યાનની તેમની સેવા બદલ કોઇ વધારાનું પેન્શન, બોનસ, રજાનું રોકડમાં રૂપાંતર, પેશગી સહિતના અન્ય લાભો પણ મળવાપાત્ર રહેશે નહીં. તેમજ નિમણૂંકના સમયગાળા દરમ્યાન આકસ્મિક અવસાન થાય તો, તેમણે બજાવેલ ફરજના સમયગાળાના નિયત વેતનની લ્હેણી રકમ જ કુટુંબીજનોને મળશે. અન્ય લાભો મળવાપાત્ર રહેશે નહીં. તેમજ પુનઃ નિમણૂંક મેળવનાર તબીબી શિક્ષકો/ તબીબોએ કાર્ય મથક પર રહેણાંક રાખીને સેવાઓ આપવાની રહેશે.
તેમણે ઉમેર્યુ કે, આ પુનઃનિમણૂંકોના કારણે ગ્રામ્ય સ્તરે તબીબો ઉપલબ્ધ બનશે અને ગ્રામ્ય વિસ્તારોની આરોગ્ય સવલતો વધુ સુદૃઢ થશે.