સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાનો ક્રેઝ ખૂબ જ બોલે છે. લોકો રીલ બનાવવા માટે કોઈપણ હદે જવાનું ચૂકતા નથી. હરિયાણાના ગુરુગ્રામમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બે યુવકોએ રીલ બનાવતા અનેક લોકોના જીવ મુશ્કેલીમાં મુક્યા હતા. જોકે, આ વર્ષે ફેબ્રુઆરીમાં આવેલી શાહિદ કપૂરની વેબ સિરીઝ ફરઝીમાં એક સીન હતો, જેમાં અભિનેતા અને તેનો મિત્ર પોલીસથી બચવા માટે રસ્તા પર નકલી ચલણી નોટો ફેંકતા જોવા મળે છે. આ સીન પર રીલ બનાવવા માટે આ યુવાનોએ ગુરુગ્રામમાં ચાલતી કારના ડેકીમાંથી નોટો રસ્તા પર ફેંકી દીધી હતી. આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયો અનુસાર, સફેદ રંગની કારમાં બેઠેલા બે લોકોમાંથી એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે જ્યારે બીજો કારની ડેકીમાંથી નોટો ફેંકતો જોવા મળી રહ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં સંગીત વાગી રહ્યું છે. વીડિયો અનુસાર જે વ્યક્તિએ નોટ ફેંકી છે તેણે પોતાનો અડધો ચહેરો કપડાથી ઢાંકેલો છે. પોલીસની તપાસમાં હજુ સુધી એ જાણી શકાયું નથી કે રસ્તા પર ફેંકવામાં આવેલી નોટો નકલી છે કે અસલી. આ વીડિયોને બે લોકોએ ઈન્સ્ટાગ્રામ પર રીલ તરીકે અપલોડ કર્યો હતો. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ ગયો હતો. પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓને આ ઘટનાની જાણ સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા થઈ હતી, જ્યાં બે શખ્સોએ ગોલ્ફ કોર્સ રોડ પર એક કારમાંથી ચલણી નોટો ફેંકીને ફિલ્મનું દ્રશ્ય ફરીથી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ સાથે તેઓએ મુખ્ય આરોપીની પણ ઓળખ કરી લીધી છે.