પાંચમા દિવસની કથામાં શિવને ધ્યાનમાં રાખીને તેમના સ્વભાવનું વર્ણન થયું.શિવજી ત્રિભુવન ગુરુ સદગુરુ છે તો એમનું સ્વરૂપ પણ આપણે જોઇશું. ઋગ્વેદનો એક મંત્ર છે જ્યાંથી પ્રવેશ થયો.આ વેદ મંત્રનો સીધો સાદો અર્થ એ છે કે જે સતત જાગૃત છે એની પાસે વેદની ઋચાઓ યાચના કરવા આવે છે. એનું સાનિધ્ય ઋચાઓ ઈચ્છે છે.જે જાગૃત છે એને કોઈ કામના કરવી પડતી નથી.જાગૃત પુરુષ નિષ્કામ અકામ અને પૂર્ણકામ થઈ જાય છે.જે જાગૃત છે એને સોમની પ્રાપ્તિ થાય છે.પરમ તત્વ સખ્ય- સખાભાવથી એને મળે છે.બુદ્ધપુરુષ એ છે જે નિરંતર જાગૃત છે.આપણે ઘરમાં હોઈએ તો પણ સૂઈ જઈએ છીએ.બહાર જઈએ કોઈ વાહનમાં ક્યાંય પણ આપણે સૂવું પડે છે.મહાદેવ નિરંતર જાગૃત છે.ચાર અવસ્થાને ચાર સ્વરૂપ સાથે પણ જોડી શકાય છે.એક છે જાગૃત અવસ્થા એટલે કે જાગૃત સ્વરૂપ.બીજી સ્વપ્ન અવસ્થા એનો અર્થ અહીં છે સપનું એટલે કે આગળનું જોવું એ-વિઝન છે.નારદ ત્રિકાળ જ્ઞાની અને સર્વજ્ઞાતા છે છતાં પણ નારદની ગતિ સર્વત્ર છે તો મહાદેવનું તો કહેવું જ શું! બાપુએ કહ્યું કે ત્રણ ધારાઓ છે: રાજર્ષિ,બ્રહ્મર્ષિ અને દેવર્ષિ. રાજર્ષિની કામના એ હોય છે કે પરમાત્મા પાસે ધનદોલત માગે છે પોતા માટે નહીં પણ સેવા માટે.બ્રહ્મર્ષિ પરમાત્મા પાસે વિચાર માંગે છે અને દેવર્ષિ પૈસા કે વિચાર નહીં પરંતુ ઘરે ઘરે જઈ અને પરમાત્માના ગુણ ગાન ગાવાનું માંગે છે.તપ વગર ક્યારેય તેજ નહીં આવે અને તેજ વધશે તો તમસ ખતમ થઇ જશે. તમસ ઘટતા જ તત્વનો પરિચય થવા માંડશે.
સદગુરુની સુષુપ્તિ અવસ્થાનો અર્થ છે પાયો પરમ વિશ્રામ. કબીર સાહેબે સદગુરુની વ્યાખ્યા કરી છે:ડોલત ડીગે નહિ,ન બોલત ખિસકે-એટલે કે સદગુરુ ડોલે છે પરંતુ ડગી જતો નથી તેને કોઈ સ્ખલન થતું નથી. આપણે બુદ્ધપુરુષને પથ્થર બનાવી દઈએ છીએ.એ સકલકલા ગુણધામ છે જીવતા હોય ત્યારે જ એની મૂર્તિ કરી દઈએ છીએ. બાપુએ કહ્યું કે આંતરિક સ્વરૂપ એ એકાંકીપણું છે એકાંતમાં જ આખી મહેફીલ છે.સદગુરુ નિસ્પૃહ હોય છે.સદગુરુ શાંત હોય છે રૂપ અનેક હોય જે બાહ્ય હોય છે પરંતુ સ્વરૂપ એક જ હોય છે.શિવના અનેક રૂપ છે પણ એકમાત્ર સ્વરૂપ:
*સંકર સહજ સરૂપ સંભારા;*
*લાગી સમાધિ અખંડ અપારા.*
રુદ્રાષ્ટકમાં પણ સ્વરૂપ વિશે સંકેત છે.રામચરિત માનસ એ પુસ્તક નહીં પણ મસ્તક છે.આ સાત કાંડનું શરીર જેમાં બાલકાંડ અને અયોધ્યાકાંડ બે આંખો છે.અયોધ્યાકાંડ અને કિષ્કિંધાકાંડ એ નાસિકા પુટ છે.સુંદરકાંડ અને લંકાકાંડ કર્ણ કાન છે અને મુખ છે૦ ઉત્તર કાંડ.આપણું મસ્તક સાતે સોપાનો લઇને ઘૂમી રહ્યું છે.કોઈ એવું કહે કે સાતેય સોપાનમાંથી એક-એક સોપાન છીનવી લઈએ તો? બાલકાંડ,અયોધ્યા… એક પછી એક કાંડ તમે છીનવી લઈ શકો પણ ઉત્તર કાંડ ન લઈ લેતા કારણ કે ઉત્તર કાંડ વિશ્વની સમસ્યાઓનો પ્રત્યુતર છે. સદગુરુ ચિંતા ઈર્ષા નિંદાથી મુક્ત હોય છે. સદગુરુ બાળક જેવો હોય છે.આ શિવજીના વચન છે. શિવજીનો સ્વભાવ,તેનું સ્વરૂપ,સિવાય શિવજીનું સ્વધામ અને સ્વધર્મ પણ આપણે જોઇશું આજે કથામાં અતિશય પવનના તોફાનને કારણે કથાને વહેલો વિરામ આપવામાં આવ્યો.
*દ્રષ્ટાંત કથા:*
એક બાઉલ હતો. એ એરંડાના તેલથી પોતાનો દીવો સળગાવતો હતો.બાપુએ કહ્યું કે:
અભાવના ઐશ્વર્યની આ વાત છે;
પથ્થરો વચ્ચે ખીલેલી જાત છે.
કોઈએ બાઉલને કહ્યું કે બહાર ખૂબ જ હવા વહી રહી છે કોઈક કાચ કે ચીમની રાખો નહીં તો દીવો ઠરી જશે.વારંવાર કહેવામાં આવ્યું છતાં પણ કહ્યું કે એરંડિયાનો દીવો આમ જ સળગાવવો છે.અંતે પૂછ્યું કેઆવું કરવાનું પાછળ તમારો કયો વિચાર છે? ત્યારે બાઉલ કહે છે કે આને હું ચીમની કાચ લગાડીશ તો દીવો થોડોક ધૂંધળો થઈ જશે. આપણા દિલનો દીવો ધૂંધળો ન થાય એ માટે ગામે-ગામ જઈ અને કીર્તન કરીએ છીએ.
*કથામંત્ર:*
*યો જાગાર તમઋચ: કામયન્તે યો જાગાર તમો* *સામાનિ યંતિ યો જાગાર તમયં સોમ આહ* *તવાહમસ્મિ સખ્યે લોકા:*