મોદીની સુરક્ષામાં બેદરકારી દાખવવા બદલ પંજાબ સરકાર એક IAS અધિકારી અને ૮ IPS અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. તત્કાલિન મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી ઉપરાંત ડીઆઈજી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાય, એસએસપી હરમનદીપ સિંહ હંસ, એસએસપી ચરણજીત સિંહ, એડીજીપી નાગેશ્વર રાવ, એડીજી નરેશ અરોરા, આઈજી રાકેશ અગ્રવાલ, આઈજી ઈન્દરવીર સિંહ અને ડીઆઈજી સુરજીત સિંહના નામ સામેલ છે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં કેન્દ્ર સરકારે પંજાબ સરકારને પત્ર લખીને પીએમ મોદી સુરક્ષા ભંગના મામલામાં કાર્યવાહીનો અહેવાલ માંગ્યો હતો. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પંજાબના મુખ્ય સચિવ વિજય કુમાર જંજુઆને પત્ર લખીને દોષિત અધિકારીઓ સામે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીનો વિગતવાર અહેવાલ માંગ્યો હતો.
પત્રમાં કાર્યવાહીમાં વિલંબનો ઉલ્લેખ કરીને, કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ પંજાબ સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે. જણાવી દઈએ કે ગયા વર્ષે ૫ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના ફિરોઝપુર જિલ્લામાં હુસૈનીવાલા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન વરસાદના કારણે પીએમ મોદીને રોડથી જવું પડ્યું હતું, પરંતુ આ દરમિયાન પ્રદર્શનકારીઓએ હુસૈનીવાલાથી લગભગ ૩૦ કિલોમીટર દૂર રસ્તો બ્લોક કરી દીધો હતો અને તેના કારણે પીએમ મોદીનો કાફલો અડધો કલાક સુધી ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો.