ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની આ ટેસ્ટ મેચ સાથે ભારત અને ઓસ્ટ્રેલિયાની ૭૫ વર્ષની મિત્રતાનું ઉદાહરણ પણ અહીં જોવા મળી રહ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના વડા પણ આ મેચ જોવા માટે પહોંચ્યા છે. બન્ને દેશના વડાએ એક સાથે સ્પેશિયલ રથમાં સવાર થઈને મેદાનમાં ઉપસ્થિત દર્શકોનું અભિવાદન ઝીલ્યું હતું. મેચ શરુ થાય તે પહેલા બન્ને દેશની ટીમ સાથે વડાપ્રધાન મોદી અને એન્થોનીએ રાષ્ટ્ર ગીત દરમિયાન ઉપસ્થિત રહીને ટીમોને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યા બાદ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિઝનું સ્વાગત કર્યું હતું. આ પછી બન્ને દેશના વડાએ સાથે બેસીને ભારત અને ગુજરાતની સંસ્કૃતિને સંગીત અને નૃત્યના માધ્યમથી માણી હતી. આજની મેચ બન્ને ટીમો માટે ખાસ માનવામાં આવી રહી છે ત્યારે રોહિત શર્મા અને સ્ટીવ સ્થિમનું બન્ને વડાપ્રધાન દ્વારા શુભેચ્છા પાઠવીને બે કેપ્ટનોને સ્પેશિયલ કેપ પણ આપવામાં આવી હતી.
બન્ને દેશના વડાએ દર્શકોનું અભિવાદન ઝીલ્યા બાદ ટોસ સાથે મેચની શરુઆત કરવામાં આવી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. જ્યારે રોહિત શર્માએ આશા વ્યક્ત કરી હતી કે તેમની ટીમ આ વખતે કંઈક કમાલ કરી બતાવશે. રથમાં દર્શકોનું અભિવાદન ઝીલ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એન્થોની અલ્બેનિઝ સ્પેશિયલ ગેલરી નિહાળવા માટે પહોંચ્યા હતા. જ્યાં ભારતીય ટીમના પૂર્વ કોચ અને ક્રિકેટર રવી શાસ્ત્રીએ બન્ને દેશના વડાને ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટની સાથે ઘડાયેલી મિત્રતા સાથે જોયેલી મહત્વની તસવીરો અને તેની વિગતો શેર કરી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં ભારત ૨-૧થી આગળ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ફાઈનલમાં સીધા ક્વોલિફાય થવા માટે આજે શરુ થનારી ટેસ્ટ જીતવી જરુરી છે. કાંગારુની ટીમે ત્રીજી ઈન્દોરમાં રમાયેલી ટેસ્ટમાં ૯ વિકેટથી જીતીને જબરજસ્ત કમબેક કર્યું છે. આવામાં ભારત હવે આ મેચને હળવાશથી જરાય નહીં લેવા માગે. ત્રણે ટેસ્ટ ત્રણ દિવસમાં પૂર્ણ થઈ ગઈ હતી.