શી જિનપિંગ ત્રીજીવાર ચીનના રાષ્ટ્રપતિ બની ગયા છે. ચીનની સંસદમાં વોટિંગ બાદ ત્રીજીવાર શી જિનપિંગને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી લેવાયા. શી જિનપિંગે ચીનના રાષ્ટ્રપતિ તરીકે ત્રીજો કાર્યકાળ સંભાળી લીધો છે. અત્રે જણાવવાનું કે ચીનની સંસદે રાષ્ટ્રપતિ શી જિનપિંગને ૫ વર્ષનો તેમનો ત્રીજો કાર્યકાળ આપવાનું સમર્થન કર્યું છે. આ સાથે જ શી જિનપિંગ સીપીસી ના સંસ્થાપક માઓત્સે તુંગ બાદ ૫ વર્ષના ત્રીજા કાર્યકાળ માટે પસંદ થયેલા પહેલા ચીની નેતા બન્યા છે.
આ અગાઉ ઓક્ટોબર ૨૦૨૨માં ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીએ કોંગ્રેસમાં ૬૯ વર્ષના જિનપિંગને એકવાર ફરીથી પાર્ટીના નેતા તરીકે પસંદ કર્યા હતા. ચીનની લીડરશીપ પર શી જિનપિંગની પકડ વધુ મજબૂત બની છે. ૩ હજાર સભ્યોની સંસદમાં શી જિનપિંગને અપાર સમર્થન મળ્યું. જો કે તેમાં કોઈ ચોંકાવનારી વાત નથી કારણ કે શી જિનપિંગ નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા. તેમના વિરુદ્ધ કોઈ બીજો ઉમેદવાર નહતો. રાષ્ટ્રપતિ બનવાની સાથે જ જિનપિંગને દેશના સેન્ટ્રલ મિલેટ્રી કમિશનના ચેરમેન પણ બનાવવામાં આવ્યા છે.
અત્રે જણાવવાનું ચીનની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસ એ આજે શી જિનપિંગના ત્રીજા કાર્યકાળને મંજૂરી આપી દીધી. નેશનલ પીપલ્સ કોંગ્રેસને ‘રબર સ્ટેમ્પ પાર્લિયામેન્ટ’ કહેવામાં આવે છે. કારણ કે સીપીસીના ર્નિણયો પર તે આંખ મીચીને મહોર લગાવે છે. ત્રીજીવાર ચીનના રાષ્ટ્રપતિ બન્યા બાદ હવે જિનપિંગ આખી જિંદગી ચીન પર હકુમત ચલાવે તેની સંભાવના વધી ગઈ છે.
અત્રે જણાવવાનું કે શી જિનપિંગ ગત વર્ષ ઓક્ટોબર મહિનામાં કમ્યુનિસ્ટ પાર્ટીની કોંગ્રેસમાં પાર્ટીના મહાસચિવ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ દરમિયાન કમ્યુનિસ્ટ પાર્ટીએ પોતાના તમામ ટોપ પોલીસી બોડી માટે નવી લીડરશીપની પસંદગી કરી હતી. નેશનલ પીપલ્સ કોંગ્રેસનું આ વર્ષે થનારું વાર્ષિક સત્ર પણ મહત્વનું ગણાઈ રહ્યું છે. કારણ કે તેમાં ચીન સરકારમાં ૧૦ વર્ષમાં ફક્ત એકવાર થનારા ફેરફાર પર મહોર લાગવાની છે. જેમાં પીએમ પદ પણ સામેલ છે.