ગુજરાત રાજ્યની મોટાભાગની નગરપાલિકા કંગાળ બની છે અને જેમાં સ્ટ્રીટ લાઈટ તેમજ વોટર વર્કસ વિભાગની બાકી રહેતી કરોડોની રકમના વીજબીલ માંગવામાં આવતા કોઈ પ્રતિઉત્તર ન મળતા આખરે મજબુર બની વીજ જોડાણ રદ કરવાની સ્થિતિ સર્જાઇ રહી છે. એક બાદ એક નગરપલિકાના બાકી વીજ બિલના કારણે વીજજોડાણ રદ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં બે દિવસ પૂર્વે સૌરાષ્ટ્રમાં બોટાદ નગરપાલિકાનું વીજ જોડાણ PGVCL દ્વારા રદ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર કચ્છની કુલ ૬૬ નગરપાલિકા પૈકી માત્ર ૩ નગરપાલિકા એવી છે કે, જેનું એક પણ વીજ બિલ બાકી નથી, જયારે બાકીની ૬૩ નગરપાલિકા એવી છે કે જેની પાસેથી PGVCL વોટરવર્કસના ૩૧૬.૮૯ કરોડ અને સ્ટ્રીટ લાઈટના ૩૧.૪૦ કરોડના વીજ બિલ ૩૧-૧૨-૨૦૨૨ સુધીના લેવાના બાકી બોલે છે.
ગુજરાતમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૬ બેઠક પર જીત મેળવી ફરી એક વખત સતા પર ભાજપ સરકારનો કબ્જાે યથાવત રહ્યો છે. જો કે, એની સાથે સાથે ગુજરાતમાં મોટાભાગની નગરપાલિકાઓમાં પણ ભાજપનું જ શાસન છે ત્યારે ભાજપ શાસિત નગરપાલિકાઓ પણ સરકારને દેણામાં મૂકી રહી છે અને બાકી બિલો ભરવામાં ગલ્લાંતલ્લા કરી રહી છે. એક પછી એક નગરપાલિકામાં વીજબીલ બાકી હોવાના કારણે વીજ જોડાણ રદ કરવામાં આવ્યાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે પણ નગરપાલિકાઓને વીજબીલ ભરી દેવા સૂચના આપી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.