આગામી સમયમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે ચાલી રહેલી જમીન સંપાદનની પ્રક્રિયામાં ફરી એક વાર અવરોધ ઉભો થયો છે. વડોદરામાં આજે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના અધિકારીઓને જમીન સંપાદન મામલે ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. NHSRCL દ્વારા આજે મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે જેમની જમીન સંપાદનમાં જાય છે તેવા ખેડૂતોની બીજી વાર મિટિંગ બોલાવવામાં આવી હતી.
જોકે, ખેડૂતોના પ્રતિનિધિઓએ જમીન સંપાદનનો જોરદાર વિરોધ કર્યો હતો, અને આ અંગે પ્રેઝન્ટેશન આપવા આવેલા અધિકારીઓને પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન પણ નહોતું કરવા દીધું. આ મિટિંગમાં વડોદરાના કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ મિટિંગ શરુ થઈ ત્યારે કોઈ સરકારી અધિકારી ન દેખાતા ખેડૂતોએ તેના પર પણ સવાલ ઉઠાવ્યા હતા. મિટિંગ બોલાવવાની માહિતી માત્ર 24 કલાક પહેલા જ અપાતા પણ ખેડૂતોએ આટલી ઉતાવળે મિટિંગ કેમ બોલાવાઈ તેવા પ્રશ્નો પણ કર્યા હતા.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની થનારી સામાજીક અને આર્થિક અસરોનો કોઈ અભ્યાસ કરવામાં આવ્યો છે કે કેમ તે જાહેર કરવા પણ ખેડૂતોએ માગ કરી હતી. આ મિટિંગ જ્યાં બોલાવાઈ હતી તેની બહાર કોંગ્રેસના કાર્યકરો બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વિરોધમાં ધરણા પર બેઠા હતા. સભા સ્થળે ખેડૂતોએ હોબાળો કરતા કોંગ્રેસના લોકો પણ તેમાં જોડાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી, અને મિટિંગને ટૂંકાવવાની ફરજ પડી હતી. જયારે બીજી તરફ નવસારી, વલસાડ તેમજ સુરતમાં પણ ખેડૂતોએ બુલેટ ટ્રેન માટે પોતાની જમીન આપવાનો ઈનકાર કરી દીધો છે. મહારાષ્ટ્રના 108 ગામના ખેડૂતો પણ જમીન આપવા નનૈયો ભણી દીધો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અહીં કુલ 1400 હેક્ટર જમીનનું સંપાદન થવાનું છે, જેના કારણે 20 હજાર જેટલા ખેડૂતો જમીનવિહોણા બને તેવી શક્યતા છે.