કેન્દ્રીય કાનૂન મંત્રાલયે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન ખરીદવા માટે કેન્દ્રીય બજેટમાં લગભગ ૧૯૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. ચૂંટણી પંચે ઈવીએમની ખરીદી માટે ૧૮૯૧.૭૮ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ જોગવાઈ બેલેટ યૂનિટ, કંટ્રોલ યૂનિટ અને વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રાયલ યૂનિટની ખરીદી અને ઈવીએમ પર સહાયક વ્યય અને અપ્રચલિત ઈવીએમ નષ્ટ કરવા માટે ચૂંટણી પંચે ફંડ એકઠુ કરવા માટે કર્યું છે. એક કંટ્રોલ યૂનિટ અને કમ સે કમ એક બેલેટ યૂનિટથી એક ઈવીએમ બને છે. આ વર્ષે યોજાનારી કેટલીય વિધાનસભા ચૂંટણી અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા, કેન્દ્રીય મંત્રીમંડળે ગત મહિને ચૂંટણી પંચ માટે વધારાના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ખરીદી માટે ફંડ માટે કાનૂન મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
સૂત્રોએ ત્યારે કહ્યું હતું કે, એક જ પ્રકારની અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન, જે હાલમાં ઉપયોગમાં છે, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈંડિયા લિમિટેડથી ખરીદવામાં આવશે. આ બે એવા સાર્વજનિક ઉપક્રમ છે, જે ઈવીએમની શરુઆતથી તેનું નિર્માણ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, મતદારો અને મતદાન કેન્દ્રોની સંખ્યામાં વધારાની સાથે વધારે મશીનની જરુરિયાત પડશે. તેમણે કહ્યું હતું કે, જે ઈવીએમ પોતાનો સમય પુરો કરી લે છે અને જે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, તેમને પણ બદલવાની જરુર છે. વર્ષ ૨૦૦૪થી અત્યાર સુધીમાં ચાર લોકસભા અને ૧૩૯ વિધાનસભા ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થઈ ચુક્યો છે. કાનૂન મંત્રાલયમાં વિધાયી વિભાગ ઈવીએમ, ચૂંટણી કાનૂન અને સંબંધિત નિયમો સહિત ચૂંટણી પંચ સંબંધિત મુદ્દાના નિવારણ માટે નોડલ એજન્સી છે.